બાંગ્લાદેશે દક્ષિણ આફ્રિકા સામે સારો સ્કોર બનાવ્યો

ચિતાગોંગ : લિટ્ટનદાસના અર્ધ શતક અને શાકિબ અલ હસન સાથે છઠ્ઠી વિકેટની ૮૨ રનની ભાગીદારીની મદદથી બાંગ્લાદેશે દક્ષિણ આફ્રિકા સામે પેહેલી ટેસ્ટમાં સુંદર સ્કોર બનાવી પહેલા દાવમાં ૭૮ રનની સરસાઇ મેળવી હતી.

દક્ષિણ આફ્રિકાએ પહેલા દાવમાં ૨૪૮ રન બનાવ્યાં હતાં. જેના જવાબમાં બાંગ્લાદેશે ત્રીજા દિવસે ઓછા પ્રકાશમાં ૩૨૬ રન બનાવી ૭૮ રનની લીડ મેળવી હતી. દિવસના અંતે ૨૪.૫ ઓવર પહેલા બંધ કરાયેલા બીજા દાવમાં દક્ષિણ આફ્રિકાએ વિના વિકેટે ૬૧ રન બનાવ્યાં હતાં.

ઓપનિંગ બેટ્સમેન સ્ટિયાન વાન ઝીલ ૩૩ અને ડીન અલ્ગર ૨૮ રન બનાવી રમતમાં છે. દક્ષિણ આફ્રિકા હજુ પણ બાંગ્લાદેશના પહેલા દાવના સ્કોરથી ૧૭ રન પાછળ છે. ગઇકાલે ૧૩ ઓવરમાં એક પણ વિકેટ નહીં લેનાર નંબર વન ફાસ્ટ બોલર ડેલ સ્ટેને ૭૮ રનમાં ત્રણ વિકેટ ઝડપી હતી. અને આ સાથે ૪૦૦ વિકેટ લેનાર શોન પોલોક પછી દક્ષિણ આફ્રિકાનો બીજો બોલર બનશે.

ઓફ સ્પિનર સિમોન હાર્મરે પણ ત્રણ વિકેટ ઝડપી જેમાં દાસ અને શાકિબની વિકેટનો સમાવેશ થાય છે.લિટ્ટનદાસે ૧૦૨ બોલમાં સાત ચોગ્ગાની મદદથી ૫૦ રન બનાવ્યાં હતાં. પૂંછડિયા બેટ્સમેન મોહમ્મદ શાહિદે ૧૯ બોલમાં ૨૫ રન ફટકાર્યા હતાં.

 

સ્ટેને મુશફિકર રહીમને ૨૮ના સ્કોરે એલબી ડબલ્યુ આફટ કરી લંચ પહેલા સફળતા મેળવી હતી. રહીમને પહેલા નોટઆઉટ જાહેર કર્યાં પછી દક્ષિણ આફ્રિકાએ ડીઆરએસનો ઉપયોગ કરતાં આઉટ જાહેર કરાયો હતો. લિટ્ટન દાસે એક રન લઇ દક્ષિણ આફ્રિકા સામે બાંગ્લાદેશનો સારો સ્કોર ૨૫૨ રને પહોંચાડ્યો હતો. દક્ષિણ આફ્રિકા સામે અગાઉ આઠ ટેસ્ટ હારી ચૂકેલી બાંગ્લાદેશે આ મેચમાં પક્કડ જમાવી છે.

You might also like