બસની ટક્કરથી બાઈકચાલકનું મોત

અમદાવાદ : શહેરના પરિમલ ગાર્ડન ચાર રસ્તા પર બસની ટક્કર વાગતાં ૫૩ વર્ષીય બાઈકચાલકનું મોત થયું હતું. ગઇ કાલથી ખાબકેલા વરસાદના કારણે રોડ-રસ્તા ભીના હોવાની સમસ્યા સર્જાઇ હતી, જેમાં આજે વહેલી સવારના રોજ ભરત પટેલ નામના આધેડ પરિમલ ગાર્ડન ચાર રસ્તા પાસેથી પસાર થઇ રહ્યા હતા તે સમયે બસ દ્વારા બાઇકને ટક્કર વાગતાં ભરત પટેલે સંતુલન ગુમાવ્યું હતું.

રસ્તા ઉપર પડી જતાં આજુબાજુના લારીવાળાઓએ તાત્કાલિક ૧૦૮ને આ અંગે જાણ કરી હતી. લોહીલુહાણ હાલતમાં ભરત પટેલને વી.એસ. હોસ્પિટલમાં લઇ જવાયા હતા. જ્યાં તેઓને મૃત જાહેર કર્યા હતા. અકસ્માત સર્જનાર બસ બીઆરટીએસની હતી કે એએમટીએસની હતી તે અંગે પુષ્ટિ થઇ શકી નથી. આ ઘટનાના પગલે એલિસબ્રિજ પોલીસે ઘટનાસ્થળે પહોંચી જઇ તપાસ હાથ ધરી હતી.

You might also like