બનવા કાળ તો બનીને જ રહે છે

ક્યારે શું બનવાનું છે? તે કોઇ નથી જાણતું. મોટા મોટા જાણતલ જોશીડા પણ કુદરતના ક્રમ આગળ લાચાર થઇ જાય છે. તેમણે જોયેલા જોશ પણ ખોટા પડી જાય છે. ખરેખર પ્રકૃતિથી મહાન કોઇ જ નથી.

કમળ સવારે ખીલે અને સાંજે બડાઇ જાય. કમળરસનો લોભી એવો ભ્રમર સાંજ સુધી કમળરસનું પાન કરતો જ રહ્યો. કમળ બીડાવાનું રાત્રિ પડતાં જ શરૂ થયું. ધીમે ધીમે કમળ બીડાઇ ગયું. રસના લોભમાં કમળ બીડાવા લાગ્યું છતાં પેલો રસનો ભોગી ભ્રમર ઊડ્યો નહીં. છેવટે તે કમળ પિંજરમાં કેદ થઇ ગયો. હવે કમળમાં પુરાયેલો ભ્રમર વિચારવા લાગ્યો કે રાત્રિ પસાર થઇ જશે. સવારે સૂર્ય ઊગતાં જ કમળ ધીમે ધીમે ખીલશે અને હું ઊડી જઇશ, પરંતુ ભ્રમરનો આ તર્ક નિષ્ફળ નીવડ્યો, કારણ કે તે વખતે જ સરોવરનાં જળનાં પાણી પીવા આવેલા એક હાથીએ તે કમળ ખીલ્યું હતું તે કમલિનીનો છોડ ઉખાડી નાખ્યો. કમળને પોતાના પગ નીચે કચડી નાખ્યું. કમળમાં કેદ પેલો ભ્રમર પણ હાથીના પગ નીચે કમળ સાથે જ કચડાઇ ગયો.

કવિ હંત હંત કહી અફસોસ વ્યક્ત કરે છે, પરંતુ પેલો ભ્રમર મરણને શરણ થઇ જાય છે. આ ભ્રમરની જેમ આપણા સંકલ્પ તથા વિકલ્પ પણ નિષ્ફળ જતા હોય છે. આપણા તર્ક વિતર્કથી ઇશ્વરનાં કાર્યમાં કશો વિક્ષેપ પડતો નથી.

યદ્ ભાવિ તદ્ ભાવિ, યદ્ ન ભાવિ, 

તદ્ ન અન્યથા

ઈતિ ચિંતા વિષઘ્નઃ ઔષધં કિં ન પિયતે ।।

અર્થાત્ જે બનવાનું છે તે બનવાનું જ છે. જે નથી બનવાનું તે નથી જ બનવાનું. આવો વિચાર ચિંતારૂપી ઝેરને મારનાર ઔષધ જેવો છે. તેના સ્વીકારથી જીવનમાં શાંતિ મળે છે. આ વિચાર કર્તૃત્વનાં અભિમાનનો નાશ કરનાર છે. સારું કે ખોટું જે કાંઇ બને છે તે ઇશ્વર જ કરે છે, પરંતુ માણસને કર્તૃત્વનું અભિમાન હોય છે, જે તદ્દન નિરર્થક છે.

આદિ કવિ નરસિંહ મહેતાએ પણ ગાયું છે કે

હું કરું, હું કરું, તે જ અજ્ઞાનતા

શકટનો ભાર જેમ શ્વાન તાણે

હું આ કરું છું. આ મેં કર્યું એમ કહેનારા આપણે ગાડા નીચેનાં કૂતરાં જેવા છીએ. મહાભારતના યુદ્ધ પહેલાં કૌરવો અને પાંડવોનાં સૈન્ય સામસામે આવ્યાં. અર્જુનના કહેવાથી સારથિ બનેલા શ્રીકૃષ્ણ ભગવાને અર્જુનનો રથ કુરુક્ષેત્રના મેદાનમાં વચ્ચે ઊભો રાખ્યો. કૌરવોનાં સૈન્યમાં પોતાનાં સ્વજનોને જોઇને હતાશ થયેલો અર્જુન હથિયાર હેઠાં મૂકી દે છે. તે શ્રીકૃષ્ણને કહે છે કે, “મારાં જ સગાં સ્નેહીને મારી નાખું તો મને ભારે પાપ લાગે. માટે હું યુદ્ધ નથી કરવાનો.” શ્રીકૃષ્ણને અર્જુનનો આ અહંકાર નષ્ટ કરવો જરૂરી લાગ્યો.

ગીતાજીના અગિયારમા અધ્યાયમાં અર્જુનને દિવ્યદૃષ્ટિ પ્રદાન કરી તેમણે તેમનું વિશ્વરૂપ દર્શન કરાવ્યું. મહાભારતના યુદ્ધમાં જે જે યોદ્ધા મૃત્યુ પામવાના હતા તે તે યોદ્ધાઓ ભગવાનનાં આ વિરાટ સ્વરૂપની દાઢમાં ચવાઇ જતા જોયા. અર્જુન સમજી ગયો કે ઇશ્વર દ્વારા આ બધા મરેલા જ છે. મારે તો માત્ર નિમિત્ત જ બનવાનું છે.

શ્રીકૃષ્ણ ભગવાને પણ કહ્યું છે કે – નિમિત્તમાત્રં ભવ સવ્યસાચિ

આ રીતે સારા કો ખોટાં કાર્ય ઇશ્વર જ મનુષ્યને નિમિત્ત બનાવી કરાવે છે, પણ મનુષ્ય એવો છે કે સારું થાય તો આ મેં કર્યું કહી જશ લઇ લે છે. ખરાબ થાય તો દોષ બીજાને દે છે. પ્રત્યેક કાર્ય ઇશ્વરની યોજના મુજબ જ ચાલે છે. તેમાં આપણું ડહાપણ કામ કરતું નથી.

– શાસ્ત્રી હિમાંશુ વ્યાસ

You might also like