બજરંગીએ કરીનાની ડૂબતી નૌકા બચાવી

ઘણા લાંબા સમયથી કરીના કપૂરની એવી કોઈ ફિલ્મ પ્રદર્શિત થઈ ન હતી, જે તેની ડૂબતી કરિયરને બચાવી શકે, પરંતુ ‘બજરંગી ભાઈજાન’ના કારણે તેની ડૂબતી નૌકાને થોડોક સહારો મળ્યો. ઈદના તહેવારે લોકો સલમાન ખાનની ફિલ્મ પર તૂટી પડતા હોય છે, તેનો ફાયદો કરીનાને પણ મળી ગયો. અા ફિલ્મે તેની તગડી ઈદી પણ અપાવી દીધી. 

‘બોડીગાર્ડ’ બાદ ઘણા સમયે તે સલમાન સાથે અાવી. અા ફિલ્મ દ્વારા સલમાન ખાન પહેલી વાર પ્રોડ્યૂસર પણ બન્યો છે. કબીરખાનની સાથે ઈદ પર રિલીઝ થયેલી સલમાનની ફિલ્મ ‘એક થા ટાઈગર’એ બોલિવૂડ પર ખૂબ ધમાલ મચાવી હતી. કબીર સાથે કરીનાએ અગાઉ ક્યારેય કામ કર્યું ન હતું. કરીના કહે છે કે અા ફિલ્મમાં મારો લુક મારા માટે સૌથી ખાસ રહ્યો. હું દિલ્હીના ચાંદની ચોકની છોકરી બની છું, અા ફિલ્મમાં મારો સલવાર-કમીઝવાળો ઈન્ડિયન લુક દર્શકોને અાકર્ષી ગયો. 

લગ્ન બાદ કરીના ઘણી ઓછી ફિલ્મો કરે છે. તે કહે છે કે હું મારા રોલ્સને લઈને ચૂઝી છું. હવે મારું ફોકસ મારા લગ્નજીવન અને મારી કરિયર બંને પર છે. હું એવા રોલ કરવા ઈચ્છું છું અને એવા ડિરેક્ટરો સાથે કામ કરવા ઈચ્છું છું, જેમની સાથે મેં પહેલાં કામ ન કર્યું હોય. હાલમાં બાયોપિકનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. શું કરીના ક્યારેય કોઈ બાયોપિકમાં કામ કરશે. અા અંગે જણાવતાં તે કહે છે કે મારા રોલમાં નવીનતા હોવી જોઈએ, મારા માટે એટલું જ જરૂરી છે.  

 

You might also like