ફિલ્મની સરખામણીથી ડર લાગે છેઃ અજય દેવગણ

‘દૃશ્યમ્’ રિમેકની તેની ઓરિજિનલ ફિલ્મ સાથે કેટલી સામ્યતા છે?ઘણી ફિલ્મો એવી હોય છે જે કમાલની બની જાય છે. ઓરિજિનલ ‘દૃશ્યમ્’ હાલ માત્ર સાઉથના લોકોએ જ જોઈ છે, પરંતુ મારું માનવું છે કે આખી દુનિયાએ તે જોવી જોઈએ. ફિલ્મ જોયા બાદ લોકો તે ફિલ્મની કસમ ખાય છે. મારી ફિલ્મ પણ એક બેસ્ટ ફિલ્મ હશે તેમ મને લાગી રહ્યું છે.

આ ફિલ્મ ઘણી ભાષામાં ચાલી છે, તો હિન્દીમાં ચાલશે કે કેમ તે અંગે દબાણ રહે છે?આ દબાણ ફિલ્મ નિર્દેશક નિશીકાંતને હોય, મને નહીં, પરંતુ મેં ઓરિજિનલ ફિલ્મથી બદલાવ અંગે નિશીકાંતને પૂછ્યું ત્યારે તેણે કહેલું કે, ઓરિજિનલ જ આટલી સુંદર બની છે ત્યારે હું તેની ૮૦ ટકા કોપી કરી શકું તો પણ ઘણું છે. જોકે નિર્દેશકે પોતાની રીતે અમુક બદલાવ કર્યા છે, પરંતુ તે અભિમાની નિર્દેશક નથી કે ઓરિજિનલથી કંઈક અલગ કરવાનો ભાવ પ્રદર્શિત કરે. જરૂરી લાગતાં ફેરફાર ચોક્કસ કર્યા છે.

મલયાલીમાં મોહનલાલ અને તેલુગુમાં કમલ હસને આ ફિલ્મ કરી છે, તેમની સાથે હરીફાઈ કરી શકીશ?હું મારી જાતને મોહનલાલ અને કમલ હસન સાથે નથી સરખાવતો અને લોકોએ પણ આવી સરખામણી ન કરવી જોઈએ. તે બંને ખૂબ સિનિયર અભિનેતા છે એટલે મારી કોઈ હરીફાઈ થઈ શકે નહીં. મૂંઝવણ ન અનુભવાય એટલા માટે જ મેં તેમની ફિલ્મ નથી જોઈ. હું મારી રીતે કામ કરવા ઇચ્છું છું.

સાઉથની ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે, છતાં આ ફિલ્મ માટે યોગ્ય છે?અહીંની ફિલ્મો પણ ત્યાં પણ બને છે. પ્રાદેશિક સિનેમાની ફિલ્મો તમને પસંદ આવે તો તેમાં ખોટું શું છે. અહીંની ફિલ્મ ત્યાં, હોલીવૂડની ફિલ્મ અહીં બને તેને હું સાહિત્યનો બદલાવ ગણું છું. આપણે ત્યાં પણ સારા લેખકો છે અને સારી ફિલ્મો બની રહી છે. આપણને લાગે છે કે, આપણે તેમની ફિલ્મો લઈ રહ્યા છીએ, પરંતુ ત્યાં આપણી પણ ઘણી ફિલ્મો રિમેક થઈ રહી છે. મારી ફિલ્મ ‘ફૂલ ઔર કાંટે’ના રાઈટ્સ રિમેક પણ મેં આ માટે વેચ્યા હતા. આ બદલાવ બંને તરફ ચાલતો હોય છે.

ફિલ્મનું નામ બદલવાનું યોગ્ય ન લાગ્યું? આ નામનો અર્થ લોકોને સમજાશે?આ નામનો અર્થ સૌને સમજાઈ જશે. ‘દૃશ્યમ્’ એક સંસ્કૃત શબ્દ છે, તેનો અર્થ નજારો થાય છે. મતલબ કે આપણે જોઈ રહ્યા છીએ તે, પરંતુ ફિલ્મમાં અભિનેતા જે બતાવી રહ્યો છે તે હકીકત કરતાં જુદું જ છે. તે સૌને બેવકૂફ બનાવે છે અને તેની કોઈને જાણ પણ થતી નથી અને આ જ ફિલ્મનો ચાર્મ હોવાથી આ નામ ફિલ્મ માટે એકદમ પર્ફેક્ટ છે.

ઓરિજિનલ ફિલ્મે મલયાલમ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના તમામ રેકોડ્ર્સ તોડી નાખ્યા હતા. તારી ફિલ્મ કોઈ રેકોર્ડ બનાવી શકશે?કેટલી મોટી ફિલ્મ બનશે અને કેટલી કમાણી કરી શકે તે ખબર નથી, પરંતુ હમણાં જ સાઉથની ‘બાહુબલિ’ ડબ થઈ અને તે ખૂબ જ સારી ચાલી રહી છે. ‘બાહુબલિ’એ સાઉથમાં કરેલો બિઝનેસ હિન્દુસ્તાનની એક પણ ફિલ્મ કરી શકી નથી. કઈ ફિલ્મ મોટી છે અને કઈ ફિલ્મ વધુ કમાણી કરી જાય છે એ કહેવું મુશ્કેલ છે.

હિન્દી સિનેમામાં મોટી ફિલ્મો માટે ટિકિટના ભાવ વધારી દેવાય છે?સાઉથમાં પ્રોડ્યુસર્સ એસોસિયેશન સરકાર કરતાં પણ વધુ મજબૂત છે એટલે ત્યાં આ સમસ્યા નથી. આપણે ત્યાં આ પ્રકારની યુનિટી નથી એટલે દરેક પ્રોડ્યુસર્સ પોતાની રીતે ભાવ નક્કી કરે છે. પહેલાં યુનિટી બને તો અન્ય નિર્ણય લઈ શકાય.

તારી આગામી ફિલ્મ ‘શિવાય’ની કેટલીક ઝલક જોતાં તે ‘બાહુબલિ’ જેવી મોટા બજેટની ફિલ્મ લાગી રહી છે.‘શિવાય’ની સરખામણી કોઈ ફિલ્મ સાથે ન કરો, સરખામણીથી મને બીક લાગે છે, પરંતુ એટલું ચોક્કસ કહીશ કે, હિન્દી ફિલ્મોના દર્શકોએ ક્યારેય નહીં જોયા હોય તેવા વિઝ્યુઅલ તેમાં ચોક્કસ જોવા મળશે. આ એક માયથોલોજિકલ ફિલ્મ છે અને ઘણી લાંબી તૈયારીઓ છે. પહાડ પર તથા બફર વચ્ચે માઇનસ ડિગ્રી વાતાવરણમાં શૂટ થઈ રહી છે એટલે હજુ તેને આવતાં પણ સમય લાગશે.

‘શિવાય’માં શિવની વાત છે?હા, ‘શિવાય’ની વાર્તા એવા શિવની છે જે આજની મોડર્ન જનરેશન સાથે સંકળાયેલા છે. તે ખાવા-પીવા સાથે નશો પણ કરે છે. તે ભોળા હોઈ ભૂલ પણ કરે છે અને ગુસ્સે થાય તો મારે પણ છે. ખુશ હોય ત્યારે નાચે છે અને ક્રોધમાં બધુ તબાહ પણ કરી દે છે. આવું બધંુ સામાન્ય માણસમાં પણ થઈ શકે, પરંતુ શિવે આવી નકારાત્મકતાને સકારાત્મકતામાં ફેરવી દીધી તે મહત્ત્વનું છે. તેમને ભોલે ભંડારી પણ કહેવાય છે એટલે તેમની તમામ ક્વોલિટી આ ફિલ્મમાં બતાવાઈ છે.

‘દૃશ્યમ્’માં આમ આદમી અને ‘શિવાય’માં લાઈફ ધેન લાર્જરમાંથી તને કેવા પ્રકારની સિનેમા પસંદ છે?હું બદલાવ કરતો રહું છું અને દરેક પ્રકારની ફિલ્મ કરું છું. ‘દૃશ્યમ્’ની વાર્તા અલગ અને જુદા પ્રકારની હોવાથી તે કરી છે. જોકે ફિલ્મ મનોરંજકની સાથે ધંધાકીય પણ હોવી જોઈએ. ‘દૃશ્યમ્’નો રોમાંચ અને તેના પાત્ર પર જે તાળીઓ પડે છે તે ધંધાકીય છે. હું સારી વાર્તા સાથેની ધંધાકીય ફિલ્મો ઇચ્છું છું.  

હિના કુમાવત

You might also like