ફિફા મહાસચિવ જેરોમ વાલ્ક સસ્પેન્ડ

ન્યૂયોર્કઃ આંતરરાષ્ટ્રીય ફૂટબોલ ફેડરેશન ફિફાના મહાસચિવ જેરોમ વાલ્કને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. તેમને લાંબી રજા પર ઉતારી દેવાયા છે અને આગામી આદેશ સુધી કાર્યમુક્ત કરી દેવામાં આવ્યા છે. ફિફા તરફથી જાહેર કરાયેલી યાદીમાં આ અંગેની જાણકારી આપવામાં આવી છે. યાદીમાં જણાવવામાં આવ્યું છે કે સંસ્થાને મહાસચિવ સાથે જોડાયેલા ઘણા આરોપો અંગે  જાણકારી યાદી આપવામાં આવી છે. ગઈ કાલે અખબારોમાં ૫૪ વર્ષીય વાલ્કને એક સ્કીમ અંતર્ગત વિશ્વકપની ટિકિટ નક્કી કરેલી કિંમતથી વધુ વેચવાના મામલામાં દોષી બતાવવામાં આવ્યા હતા. જેરોમ વાલ્કે આ આરોપો નકારી કાઢ્યા હતા. તેઓ વર્ષ ૨૦૦૭થી ફિફાના મહાસચિવ છે. આ વર્ષે મે મહિનામાં ફિફા ભ્રષ્ટાચારના ઘણા આરોપોથી ઘેરાયેલું છે. થોડા મહિના પહેલાં સ્વિટ્ઝર્લેન્ડની પોલીસે ઝુરિચની એક હોટલમાં દરોડો પાડીને ફિફાના ઘણા અધિકારીઓની ધરપકડ કરી હતી. જૂનમાં ફિફાના અધ્યક્ષ તરીકે ચૂંટાયા બાદ સેપ બ્લેટરે જાહેરાત કરી હતી કે તેઓ પદ પરથી હટી જશે. વાલ્ક નવા અધ્યક્ષની ચૂંટણીમાં ઊભા રહેવા અંગે વિચારી રહ્યા હતા, પરંતુ હવે તેમને ફિફાની આચારસંહિતા સમિતિ તરફથી ઔપચારિક તપાસનો સામનો કરવો પડશે. એક કરોડ ડોલરની કહેવાતી લાંચના મામલામાં પણ વાલ્કની તપાસ થઈ હતી. અમેરિકન સત્તાવાળાઓનું કહેવું છે કે દક્ષિણ આફ્રિકાએ નાણાં ફિફાના ભૂતપૂર્વ ઉપાધ્યક્ષ જેક વોર્નરને આપ્યા હતા, જેથી તેઓ તેમની યજમાનીના દાવાનું સમર્થ કરે. છેવટે દક્ષિણ આફ્રિકાને વર્ષ ૨૦૧૦ના વિશ્વકપની યજમાની મળી ગઈ હતી. અમેરિકાના મીડિયામાં અમેરિકન અધિકારીઓના હવાલાથી દાવો કરવામાં આવ્યો હતો વાલ્ક એ જ અધિકારી હતી, જેમણે પૈસા આપ્યા હતા. જોકે વાલ્કે આ આરોપનું ખંડન કર્યું હતું.
 
You might also like