ફિક્સર બટની કાકલુદીઃ ‘પ્લીઝ, મને રમવા દો’

કરાચીઃ પાકિસ્તાનના ભૂતપૂર્વ કેપ્ટન અને સ્પોટ ફિક્સિંગના આરોપોમાં પ્રતિબંધનો સામનો કરી ચૂકેલા ક્રિકેટર સલમાન બટે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના ભ્રષ્ટાચાર વિરોધી અધિકારીઓ અને કાયદાકીય સલાહકરોને કહ્યું છે કે તેઓ ફિક્સર ત્રિપુટી માટે બનાવવામાં આવેલી વાપસી અને રિહેબિલિટેશનની યોજના પર પુનઃવિચારણા કરે.

સલમાન બટે પીસીબીના અધિકારીઓને મળીને આગ્રહ કર્યો છે કે તેને તા. ૨ સપ્ટેમ્બરથી ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં રમવાની મંજૂરી આપવામાં આવે. બોર્ડના એક અધિકારીએ કહ્યું કે સલમાને તેના માટે બનાવવામાં આવેલી યોજનાની સમીક્ષા કરવાનો આગ્રહ કર્યો છે અને કમ સે કમ ફર્સ્ટ ક્લાસમાં ક્રિકેટમાં રમવાની મંજૂરી ઇચ્છે છે.

ઉલ્લેખનીય છે કે પીસીબીએ થોડા દિવસ પહેલાં મોહંમદ આસિફ અને મોહંમદ આમિરની ક્રિકેટમાં વાપસી માટે િવસ્તૃત યોજનાની જાહેરાત કરી હતી, પરંતુ આ યોજનાથી તેઓને ફેબ્રુઆરી ૨૦૧૬ સુધી ફર્સ્ટ ક્લાસ ક્રિકેટથી દૂર રહેવું પડે તેમ છે અને ત્યાં સુધી આ ફિક્સર ખેલાડીઓએ એન્ટી કરપ્શન કાર્યક્રમોમાં ભાગ લેવાનો રહેશે અને વિભિન્ન ક્ષેત્રોમાં એન્ટી કરપ્શન લેક્ચર આપવા પડશે.

આસિફ, આમિર અને બટ પર લગાવાયેલો પ્રતિબંધ એક સપ્ટેમ્બરની મધ્યરાત્રીએ સમાપ્ત થઈ રહ્યો છે અને આઇસીસીએ કહ્યું છે કે આ ત્રણેય ખેલાડી ઘરેલુ અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વાપસી કરી શકે છે, પરંતુ પાકિસ્તાનના ભૂતપૂર્વ ટેસ્ટ કેપ્ટન રમીઝ રાજાએ પીસીબીને સલાહ આપી છે કે આ ત્રણેય ખેલાડીઓને રાષ્ટ્રીય ટીમમાં સામેલ ના કરવા જોઈએ. રાજાએ કહ્યું કે પીસીબી તેઓને ઘરેલુ ક્રિકેટમાં રમવાની મંજૂરી આપી શકે અને નાણાકીય રીતે તેઓની મદદ કરી શકે, પરંતુ તેઓને ફરીથી પાકિસ્તાનનું પ્રતિનિધિત્વ કરવાની મંજૂરી હમણાં આપવી જોઈએ નહીં.

You might also like