ફરિયાદ પક્ષની ૮ ગુનેગારોને ફાંસીની સજા આપવા માંગણી

મુંબઈઃ મુંબઈમાં ૨૦૦૬માં થયેલા ટ્રેન વિસ્ફોટોના કેસમાં ફરિયાદ પક્ષે ૧૨ દોષિતોમાંથી ૮ને ફાંસની સજા તથા બાકીના ચારને જન્મટીપની સજા આપવાની માંગણી કરી હતી. આ કેસની સુનાવણી કરી રહેલી ખાસ મકોકા કોર્ટે આરોપીઓને સજા અંગેનો તેનો ચુકાદો આગામી ૩૦મી સપ્ટેમ્બર પર અનામત રાખ્યો હતો.

આ કેસના તમામ ૧૨ દોષિતોને ‘મોતના સોદાગરો’ ગણાવતા સરકારી વકીલ રાજા ઠાકરેએ તેમાંના આઠને મૃત્યુદંડની સજાની માંગણી કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, આ કેસમાં તેમની ભૂમિકાને જોતાં આઠ દોષિતો ફાંસીની સજાને યોગ્ય છે. અગાઉ આ મહિનાની શરૂઆતમાં જજ યતીન શિંદેએ આ કેસમાં ૧૨ આરોપીઓને ગુનેગાર ઠેરવ્યા હતા. જ્યારે એકને નિર્દોષ છોડી મૂક્યો હતો.

ઉલ્લેખનીય છે કે ૧૧ જુલાઈ ૨૦૦૬ના રોજ મુંબઈની લોકલ ટ્રેનોમાં શ્રેણીબદ્ધ વિસ્ફોટો થયા હતા. તેમાં ૧૮૮ લોકો માર્યા ગયા હતા અને ૮૦૦થી વધુ ઘવાયા હતા. જે ગુનેગારો માટે ફાંસીની સજાની માગણી કરવામાં આવી છે તેમાં કમાલ એહમદ અંસારી, ડોક્ટર તનવીર એહમદ અંસારી, મોહમ્મદ ફૈઝલ શેખ, એહતેશામ સિદ્દીકી, શેખ આલમ શેખ, મોહમ્મદ સાજિદ અંસારી, નાયેદ હુસેન ખાન અને આસિફ ખાનનો સમાવેશ થાય છે. આ કેસના અન્ય ચાર દોષિતો મોહમ્મદ માજિદ શફી, મુજમ્મિલ શેખ, સુહૈલ શેખ અને જમીર એહમદ વિશે ઠાકરેએ અદાલતને જણાવ્યું હતું કે આ લોકોને અન્ય આઠ દોષિતો કરતાં અલગ સજા થવી જોઈએ.

 

You might also like