ફડણવીસ સરકારમાંથી શિવસેનાના પ્રધાનો ગમે ત્યારે રાજીનામાં આપે તેવી શક્યતા

મુંબઈઃ બંને પક્ષ વચ્ચે પાકિસ્તાનના પૂર્વ વિદેશ પ્રધાન ખુરશીદ અહેમદ કસૂરીના પુસ્તકના રિલીઝને લઈને વિવાદ છેડાયો છે. આ પુસ્તકને રિલીઝ કરવામાં મદદ કરનાર ભાજપના પૂર્વ સભ્ય સુધીન્દ્ર કુલકર્ણીના ચહેરા પર શાહી ફેંકીને તેમનો ચહેરો કાળો કરી નાંખ્યો હતો. મુખ્ય પ્રધાન ફડણવીસે આ હરકત પર શિવસેનાને ભારે ફટકાર લગાવી છે.

એક અખબારના અહેવાલ અનુસાર ઉદ્ધવ ઠાકરે હવે ટૂંક સમયમાં શિવસેનાના તમામ પ્રધાનોને ફડણવીસ સરકારમાંથી રાજીનામાં આપવાનું કહી શકે છે. સોમવારની ઘટના બાદ શિવસેનાએ આ નિર્ણય લીધો હોવાનું કહેવાય છે. શિવસેનાના કેટલાક નેતાઓનું માનવું છે કે ભાજપનો વ્યવહાર જોતાં હવે પક્ષે સરકારમાં રહેવું જોઈએ નહીં. શિવસેનાના એક નેતાએ જણાવ્યું છે કે પાકિસ્તાન પર ભાજપની નીતિ હવે કોંગ્રેસ જેવી થઈ ગઈ છે.

અખબારના અહેવાલ અનુસાર શિવસેનાના નેતાઓને ટાંકીને એવું જણાવ્યું છે કે શિવસેનાનું મોટું ટેન્શન ભાજપની વધતી જતી લોકપ્રિયતાનું છે. પક્ષના નેતાઓનું માનવું છે કે ભાજપની સફળતાના કારણે શિવસેનાએ ભારે કિંમત ચૂકવવી પડશે. 

ફડણવીસ સરકારે કસૂરીના પુસ્તકના રિલીઝ પર ફંકશનમાં સુરક્ષા પૂરી પાડી તેની  સામે પણ શિવસેનાએ વાંધો ઉઠાવ્યો છે. મહારાષ્ટ્રનાં કેટલાંક શહેરમાં યોજાનારી નગર નિગમની ચૂંટણીમાં પણ હવે શિવસેના એકલા હાથે ચૂંટણી લડશે એવા નિર્દેશો મળી રહ્યા છે.

You might also like