પ્રોપર્ટી ટેકસના ફેક્ટર ચેન્જનાં ધાંધિયાંઃ નાગરિકો પરેશાન  

728_90

અમદાવાદઃ મ્યુનિ. કોર્પોરેશનની આવકનું એકમાત્ર સ્રોત પ્રોપર્ટી ટેકસ છે. તેમ છતાં તંત્ર અગમ્ય કારણસર પ્રોપર્ટી ટેકસ પ્રત્યે દુર્લક્ષ સેવી રહ્યું છે. પરિણામે કરદાતાઓને હાલાકીમાં મુકાવું પડે છે. ચાલુુ નાણાકીય વર્ષ ર૦૧પ-૧૬નો આરંભ થયે સાડા ચાર મહિના પૂર્ણ થશે તેમ છતાં ટેકસના ફેકટર ચેન્જના ધાંધિયાથી નાગરિકો ત્રાસી ઊઠયા છે.

કોર્પોરેશનના સત્તાધીશોએ ઇ-ગવર્નન્સનો રૂ.૩૬ કરોડનો પ્રોજેકટ ટીસીએસને અાપ્યો છે અગાઉ ર૦૦રથી માઇક્રોટેક કંપનીની એકહથ્થુશાહી હતી. માઇક્રોટેક કંપનીની ઇજારાશાહીથી ભલભલા ઉચ્ચ અધિકારીઓ ત્રાસી ઊઠયા હતા, પરંતુ ટીસીએસ કંપનીના પણ તંત્રને કડવા અનુભવ થઇ રહ્યા છે. પ્રોપર્ટી ટેકસ સંબંધિત નામ ટ્રાન્સફર જેવા મામૂલી સુધારાને ટીસીએસનું ટેકસ મોડયુલ સ્વીકારે છે, પરંતુ ફેકટર ચેન્જ જેવા મહત્ત્વના સુધારા મોડયુલ પર બંધબેસતા નથી. ટેકસ અધિકારીની કાગળ પરની ગણતરી અને ટીસીએસના ટેકસ મોડયુલના કમ્પ્યૂટરની ગણતરીમાં દસ ટકા જેટલો ઊંચો ફરક આવી રહ્યો છે.  પરિણામે ટેકસના ઉચ્ચ અધિકારીઓ પણ પરેશાન થયા છે. ખાસ કરીને ખાલી, બંધ મિલકત, માલિક-ભાડુઆત મિલકત, દુકાન-ગોડાઉન મિલકત જેવા ફેકટરને લગતા ફેરફારને ટીસીએસનું ટેકસ મોડયુલ સચોટ રીતે સ્વીકારતું નથી!

ફેકટર ચેન્જના ધાંધિયાથી ખુદ મ્યુનિ. કમિશનર ડી. થારા નારાજ થયા હતા અને તાજેતરમાં મળેલી અધિકારીઓની અઠવાડિક સમીક્ષા બેઠકમાં ટેકસ વિભાગનાે ઉધડો લીધો હતો. 

હાલમાં નવા પશ્ચિમ ઝોન સિવાય તમામ ઝોનમાં પ્રોપર્ટી ટેકસના બિલ છપાઇને તેનું વિતરણ પણ શરૂ કરી દેવાયું છે, પરંતુ ફેકટર ચેન્જ સંબંધિત ગત નાણાકીય વર્ષ અને ચાલુ નાણાકીય વર્ષની ૧૦,૦૦૦થી વધુ ફાઇલ જૈસે થે રખાઇ છે. જે અરજદારોને ઉતાવળ હોય તેવા અરજદારોની ફાઇલો ઉતાવળે નિકાલ કરી દેવાય છે. જે નાગરિકોએ શાસકોની એડવાન્સ ટેકસ રિબેટ યોજનાનો લાભ લઇને અગાઉથી ટેકસ ભરપાઇ કર્યો છે તેવા કરદાતાઓની પણ ઊંઘ હરામ થઇ ગઇ છે. 

You might also like
728_90