પ્રેમિકાએ પ્રણયસંબંધો તોડી નાખતાં ગુજ્જુ યુવકે પોતાના જ પેટમાં હુલાવી દીધું ચપ્પુ

મુંબઈઃ પ્રેમમાં માણસ કોઈ પણ હદે જઈ શકે છે. મુંબઈના નાલાસોપારામાં રહેતા ૨૯ વર્ષના ગુજરાતી ઈન્ટિરિયર ડિઝાઈનર યુવાન તેજસ પંચાલને જૈન સમાજની યુવતી સાથે છેલ્લાં પાંચેક વર્ષથી પ્રણયસંબંધો હતા, પરંતુ તેની આ ગર્લફ્રેન્ડે અચાનક સંબંધો તોડી નાખતાં આ યુવાને જમવાનું છોડી દીધું હતું અને ડિપ્રેશનમાં આવી ગયો હતો.

ગઈ કાલે ગર્લફ્રેન્ડને તે સમજાવવા ગયો હતો, પરંતુ ગર્લફ્રેન્ડે તેની કોઈ વાત ન સાંભળતાં યુવાન તેજસ પંચાલે પોતાના જ શરીરમાં ચપ્પુ મારીને રસ્તા પર જ સરેઆમ પોતાને ખતમ કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે પ્રવાસીઓએ આ અંગે બૂમાબૂમ કરી મૂકતાં રેલવે પોલીસે તેજસને હોસ્પિટલમાં દાખલ કરીને સારવાર અપાવી હતી.

આ ઘટનાની વિગતો આપતાં તેજસના મોટાભાઈ નયન પંચાલે જણાવ્યું હતું કે છેલ્લાં ચાર વર્ષથી તેના ભાઈ તેજસનું આ યુવતી સાથે અફેર ચાલુ હતું. તેના લગ્ન વિષે પરિવારમાં ચર્ચા પણ થઈ ગઈ હતી. બંને પરિવારો રાજી હતા, પરંતુ યુવતી અચાનક જ તેજસને નકારવા લાગી હતી. બંને વચ્ચે કેટલાક સમયથી ઝઘડા અને બોલાચાલી થવા લાગી હતી. તેજસે તેને ઘણીવાર સમજાવી હતી. તેનાં મમ્મી-પપ્પાને પણ વાત કરી હતી અને મમ્મી-પપ્પાએ પણ આ યુવતીને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે યુવતીએ બધાંની હાજરીમાં કહી દીધું હતું કે મને તેજસમાં કોઈ રસ નથી.

તેજસ યુવતી તરફથી પ્રતિસાદ નહીં મળતાં ડિપ્રેશનમાં આવી ગયો હતો અને બે દિવસ પહેલાં તે ઘરેથી ચપ્પુ લઈને નીકળ્યો હતો અને યુવતીને સમજાવવા છતાં નહીં માનતાં તેજસે છાતી અને પેટ વચ્ચે પોતાને જ ચપ્પુ હુલાવી દીધું હતું અને લોહીલુહાણ હાલતમાં તેની પાછળ ચાલવા લાગ્યો હતો. પ્રવાસીઓનું ધ્યાન જતાં તેમણે પોલીસને વાત કરતાં તેજસને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યો હતો. આ ઘટનાથી તેજસના પરિવારો ચિંતિત છે.

You might also like