પ્રેમિકાએ જ કરી ગેંગસ્ટર ગોગલની હત્યા

વડોદરા : શહેરના માથાભારે ગોગલ ઉર્ફે રાજુ ભરવાડની હત્યા તેની પ્રેમિકાએ તેની ઓફિસમાં કામ કરતા મિત્રની મદદ લઇને કરી હોવાની ચોંકાવનારી વિગતો જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાંચની તપાસમાં બહાર આવી છે. આધારભુત સૂત્રોએ તો ત્યાં સુધી જણાવ્યું હતું કે ગોગલ ભરવાડ તેની પ્રેમિકા પર અમાનુષી અત્યાચાર ગુજારતો હતો. આથી તેની પ્રેમિકા ત્રાહીમામ પોકારી ગઇ હતી. જેને પગલે પ્રેમિકાએ તેની હત્યા કરી હોવાનું જણાય છે. પોલીસે ગોગલની પ્રેમિકા અને તેની હત્યામાં મદદગાર મિત્રની અટકાયત કરીને ઘનિષ્ટ પુછપરછ શરૂ કરી હોવાનું જાણવા મળ્યું છે.

શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલી ગોવિંદનગર સોસાયટીમાં રહેતા માથાભારે ગોગલ ઉર્ફે રાજુ રતનભાઇ ભરવાડની ગત તા.૧૭મી સપ્ટેમ્બરના રોજ નિર્વસ્ત્ર હાલતમાં લાશ મળી હતી. કેલનપુર નજીક ગટરમાંથી વરણામા પોલીસને ગોગલનો મૃતદેહ મળી આવ્યો હતો તે સમયે પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી. ગોગલ ભરવાડના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ગોગલની હત્યા પ્લાસ્ટીકની દોરીથી ગળું દબાવીને કરવામાં આવી હોવાનો રિપોર્ટ આવતા વરણામા પોલીસે હત્યાની કલમનો ઉમેરો કરી તપાસનો દોર શરૂ કર્યો હતો. જોકે ગોગલની હત્યા વિનોદ ઓડ, વિજય કાંચો, મોન્ટુ અને હિમાંશુ શર્મા સહિત પાંચ વ્યકિતઓએ કરી હોવાની શંકા ગોગલના ભાઇએ વ્યકત કરી હતી.

વરણામા પોલીસે ગોગલની હત્યામાં શકમંદ મનાતા પાંચેયની પુછપરછ કરી હતી. પરંતુ તમામ પાંચ વ્યકિતઓ હત્યામાં સામેલ ન હોવાનું જણાતા વરણામા પોલીસે લોકલ ક્રાઇમ બ્રાંચની મદદ લઇ ગોગલના ભૂતકાળ અને તેના પ્રેમ પ્રકરણની દીશામાં તપાસનો દોર શરૂ કર્યો હતો. જેમાં લોકલ ક્રાઇમ બ્રાંચને ગોગલની હત્યા તેની વડોદરામાં રહેતી પ્રેમિકાએ તેની સાથે નોકરી કરતા નર્મદા જિલ્લાના એક વ્યકિતની મદદ લઇને કરી હોવાની વિગતો સપાટી ઉપર આવી હતી.

જિલ્લા પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ શરદ સિંઘલ (પોલીસ અધિક્ષક, વડોદરા ગ્રામ્ય) વડોદરાનાઓની સુચના અને માર્ગદર્શન આધારે બી.એન.સગર (ઇન્ચાર્જ પો.ઇન્સ.એલસીબી વ.ગ્રામ્ય)નાઓ, પોસઇ વરણામા સાથે તપાસમાં મદદમાં રહી ગુનાનો ભેદ ઉકેલી કાઢવા આગળની તપાસ ચાલુ કરેલ અને ફરિયાદમાં જણાવેલ શકદાર ઇસમોની તપાસ કરી પુછપરછ કરતા તેઓની ગુનામાં સંડોવણી નહીં હોવાનું જણાઇ આવેલ અને આ તપાસ દરમિયાન જાણવા મળેલ કે મરનારને અગાઉ ગોવિંદનગરમાં રહેતી આરતીબેન પુનમચંદ્ર કહાર સાથે સંબંધ હતો. અને થોડા દિવસ પહેલા તેની સાથે તકરાર થયેલ હતી.

જેથી એલસીબી તથા વરણામા પોલીસ તે દિશામાં તપાસ કરતા આ આરતીબેન પુનમચંદ્ર કહાર (રહે.હર્ષદમાતાના મંદિર પાસે, વાઘરીવાડ, નાયરવાડ, વડોદરા)નાની તથા તેના ઓળખીતા મામા સસરા દશરથભાઇ જગુભાઇ ભૈયા (રહે.રાજપીપળા)નાઓ મળી આવતા તેઓ બંને લાવી અલગ અલગ રાખી વિશ્વાસમાં લઇ યુકિત-પ્રયુકિતથી ઉંડાણપૂર્વક પુછપરછ કરતા મરણ જનાર ગોગલભાઇ ઉર્ફે રાજુભાઇ ભરવાડ આરતીબેનને અગાઉના સંબંધના કારણે હેરાન પરેશાન કરતો હોવાથી તેનું ખૂન કરી નાંખવાની નક્કી કરેલ અને તા.૧૬-૯-૧૫ના રોજ મરનાર ગોગલભાઇ ભરવાડને સેગવા ચોકડી બોલાવી તેઓના ઓળખીતા સુખાભાઇ અંબાલાલ વસાવા રહે.

મોટા કરાળા તા.શિનોરના ઘરે લઇ જઇ પટાવી, ફોસલાવીને નીચે બેસાડેલ અને તે દરમિયાન દશરથભાઇ જગુભાઇ ભૈયાએ મરનારના બંને હાથ પકડી રાખી અને આરતીબેન સાથે લઇ આવેલ નાયલોનની દોરીથી ગળો ટુપો આપી મોત નીપજાવી તેની લાશને ગાડીમાં મુકી કેલનપુર નજીક આવેલ જામ્બુઆ નદીના પુલ નજીક નાંખી દઇ અને ગોગલભાઇ ભરવાડની મોટર સાઇકલ પણ તેની લાશ નજીક મુકી જતા રહેલ હોવાની કબુલાત કરતા બંનેને ગુનાના કામે અટક કરી અન્ય કોઇ આરોપીઓ સામેલ છે કે કેમ તે દિશામાં પોસઇ વરણામાનાઓએ આગળની તપાસ હાથ ધરેલ છે.

આધારભુત સુત્રોમાંથી મળેલી માહિતી પ્રમાણે ગોગલ ઉર્ફે રાજુ ભરવાડ તેની પ્રેમિકા ઉપર અમાનુષી અત્યાચાર ગુજારતો હતો. પ્રેમિકા ગોગલથી ત્રાહીમામ પોકારી ગઇ હતી. આથી ગોગલની પ્રેમિકાએ તેની સાથે નોકરી કરતા મિત્રની મદદ લઇને ગત તા.૧૫મીની સાંજે ગોગલને મળવાના બહાને કેલનપુર નજીક બોલાવ્યો હતો અને તે જ સ્થળે ગોગલનું ગળું દબાવીને મોતને ઘાટ ઉતારી દઇ તેની લાશ કેલનપુર નજીક ગટરમાં ફેંકી દીધી હતી.

ગોગલ ઉર્ફે રાજુ ભરવાડની હત્યામાં સંડોવાયેલ મનાતી તેની પ્રેમિકા અને તેના મિત્રની પોલીસે અટકાયત કરીને તેઓની ઘનિષ્ઠ પુછપરછ કરી રહી છે. આગામી ગણતરીના કલાકોમાં પોલીસે ગોગલ ઉર્ફે રાજુ ભરવાડની હત્યામાં ચોંકાવનારો પર્દાફાશ કરશે તેમ મનાઇ રહયું છે.

ગોગલ ગુનાહીત ઇતિહાસ ધરાવતો હતો

 

વડોદરા : ગોગલ ભરવાડ ગુનાહીત ભૂતકાળ ધરાવતો હતો. પોલીસના જણાવ્યા મુજબ શહેરના વિવિધ પોલીસ સ્ટેશનોમાં તેની સામે શરીર સંબંધી સાતથી આઠ જેટલા ગુના નોંધવામાં આવ્યા હતા. ગોગલ ભરવાડની બેથી ત્રણ વખત પાસામાં ધરપકડ કરાયેલી હતી. હજુ એકાદ માસ પહેલા જ તે પાસામાંથી છુટયો હતો. પાસામાંથી છૂટયા બાદ ફરીથી તેણે અરાજકતા ફેલાવી હતી. ગત ૧૪-૯-૨૦૧૫ના રોજ ગોગલ ભરવાડે શહેરની બુધ્ધદેવ કોલોની પાસે જાહેરમાં બોલાચાલી કરી હતી અને અરાજકતા ફેલાવી હતી. આ અંગે કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં તેની સામે સેકન્ડ પાર્ટનો ગુનો નોંધાયો હતો. બીજા દિવસે ૧૫-૯-૨૦૧૫ના રોજ રાત્રે ૮-૩૦ વાગ્યે ગોગલ ભરવાડ અને તેના સાગરીતો ધારિયું લઇને બાઇક સાથે ધસી આવીને મુકતાનંદ ત્રણ રસ્તા પાસે પાણીપુરી અને ચાઇનીઝની લારી પર તોડફોડ કરી અને બે લારીના ગલ્લામાંથી ૧૯૦૦ રૂપિયા કાઢી લઇને રોજ રૂ.૨૦૦ હપ્તો આપવો પડશે તેમ જણાવી ૧ લાખ રૂપિયાની પણ માંગણી કરી હોવાની ફરિયાદ વિનોદ જેસીંગ ઓેડેએ કારેલીબાગ પોલીસને નોંધાવી હતી.

You might also like