પ્રાર્થના એટલે કેવળ યાચના નહીં, ઈશ્વરને સમર્પિત થવાની પ્રક્રિયા

પ્રાર્થના એટલે કેવળ યાચના નહિ. સાચી પ્રાર્થના એ યાચના કે માગણી નહિ હોવી જોઇએ. જેને સંબોધીને પ્રાર્થના કરવામાં આવતી હોય એની પાસે ભિક્ષુક બનીને જવાય તો ખરું, પણ એમાં આપણી હલકાઇ ઊભરી આવે નહિ? એમ તો કોઇ માણસ પાસે ભિક્ષુક બનીને, માગીને ક્યાં મેળવી શકાતું નથી. કોઇ કહેશે કે માણસ પાસે માગવા કરતાં સર્વના માલિક, સર્વના પિતા એવા પ્રભુ પાસે માગવું સારું.

વાત તો સાચી છે, કેમ કે એ જ કર્તાહર્તા છે, એ જ એકમાત્ર આપનાર છે. એ જ આપણા દુઃખહર્તા છે વગેરે-વગેરે. વળી, આપણે પ્રભુના બાળક હોવાથી એમની પાસે માગવાનો આપણો  કંઇક હક પણ ખરો, એટલે એમની પાસે માગવામાં વિશેષ હલકાઇ ન ગણાય, છતાં શું માગવું એ મહત્ત્વનું નથી? કયા સંજોગોમાં માગવું એ મહત્વનું નથી? કેટલું માગવું એ મહત્વનું નથી.  વળી, યાચકોમાં પણ ક્યાં ઓછી ભિન્નતા છે? કહે છે કે એના દ્વારા તેને ખૂબ ખૂબ ખખડાવો તો એ ખાશે.

પુકાર-પુકાર કરીને બોલાવશો તો એ બોલશે એમ રાડો પાડીને માગો તો એ આપશે. આખરે પોતાનાં બાળકોને નહિ આપે તો કોને આપશે? છતાં આવા બાળકને રાજીખુશીથી આપે છે એમ માની શકાય? પ્રાર્થના એટલે માત્ર યાચના નહિ, પરંતુ કંઇક વિશેષ છે એમ સમજીએ તો પ્રાર્થના શું કહે છે? પોતાના આદર્શ મુજબ પોતાનું જીવન કેળવીને તે ઇશ્વરને સમર્પણ કરવાની ક્રિયા એટલે પ્રાર્થના. અહીં સમર્પણની વાત વિશેષ મહત્ત્વની છે.

તેઓએ ઇશ્વરને સમર્પણ કરવાની જે વાત કરી છે એમાં શું સમર્પિત કરવું? જીવન તો કેવું જીવન? પોતાના આદર્શ મુજબ કેળવેલું જીવન ખરું ને? એનો અર્થ એ કે પોતાના આદર્શ મુજબ આચરણયુક્ત જીવન ઘડવું પડે, નહિ તો એ કેળવાયેલું શી રીતે કહેવાય?  આમ છતાં આવા આચરણયુક્ત જીવનમાં અહંકાર પ્રવેશી ન જાય એ માટે તે ઇશ્વરને સમર્પિત કરવું જ રહ્યું. આવા સમર્પણભાવ સાથે ઇશ્વરના સાંનિધ્યમાં આવવાની એક અનોખી તાકાતવાળી કોઇ ક્રિયા હોય તો એ પ્રાર્થના છે.

આમ, પ્રાર્થના તો કોઇ વિશિષ્ટ પ્રકારની યાચના છે. જે શરણાગતિ ભાવ તો છે જ, છતાં અહંકાર ઉતારી નાખવા જે કંઇ એની સહાયતાથી આપણે આપણામાં ઉત્તમોત્તમ આદર્શોરૂપે કેળવેલું છે એ એને જ અર્પણ કરવાની ક્રિયા છે. અહીં માત્ર યાચના નથી, પરંતુ ઉત્તમોત્તમ અર્પણ કરવાની યાચના છે, માટે એ સાચી પ્રાર્થના છે.પ્રાર્થના કરવા ઘણી વાર મંદિર, મસ્જિદ, દેવળ કે દેરાસરનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. ક્યારેક સમૂહમાં તો ક્યારેક એકલા રહીને પ્રાર્થના કરવામાં આવી હોય છે. ઘણું ખરું તો કોઇએ શીખવેલ હોય એવી શા‌િબ્દ‌ક પ્રાર્થના થોડા ભાવ સાથે કરવામાં આવતી હોય છે.

You might also like