પ્રથમ વર્ષમાં મોદીની વિદેશ યાત્રા પર ૩૭ કરોડનો ખર્ચ

નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિદેશ પ્રવાસ પર પ્રથમ વર્ષમાં ૩૭ કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. આની સાથે જ મોદીના વિદેશ યાત્રા પર કરાયેલા ખર્ચને લઈને ચાલી રહેલી તમામ પ્રકારની અટકળોનો અંત આવી ગયો છે. છેલ્લા કેટલાક સમયથી વડાપ્રધાનના વિદેશ યાત્રા પર કરાયેલા ખર્ચને લઈને અટકળોનો દોર ચાલી રહ્યો હતો. મોદીની યાત્રા પૈકી સૌથી મોટી યાત્રા ઓસ્ટ્રેલિયાની રહી છે.

હાંસલ કરવામાં આવેલા દસ્તાવેજોમાં આ  મુજબની વાત કરવામાં આવી છે. દસ્તાવેજોમાં કહેવામાં આવ્યું છે કે જૂન, ૨૦૧૪થી જૂન, ૨૦૧૫ વચ્ચેના ગાળામાં વડાપ્રધાને ૧૬ દેશોની યાત્રા કરી છે. જેના પર કુલ ૩૭.૨૨ કરોડ રૃપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. અલબત્ત આ ગાળા દરમિયાન મોદીએ ૨૦ દેશોની યાત્રા કરી હતી. પરંતુ જાપાન, શ્રીલંકા, ફ્રાન્સ અને દક્ષિણ કોરિયામાં કરવામાં આવેલા ખર્ચની માહિતી આપવામાં આવી નથી.

લોકેશ બત્રા નામની વ્યક્તિ દ્વારા કરવામાં આવેલી આરટીઆઈ અરજીના જવાબમાં આ મુજબની વિગત સપાટી પર આવી છે. બત્રાએ દરેક દેશ સાથે જોડાયેલી મોદીની યાત્રા અંગે ખર્ચની વિગત માંગી હતી. આમાં જાણવા મળ્યું કે ઓસ્ટ્રેલિયા, અમેરિકા, જર્મની, ફીજી અને ચીનની યાત્રા સૌથી મોંધી રહી છે. તેમની ભુટાનની યાત્રા પર ખર્ચ સૌથી ઓછો રહ્યો છે. આ પ્રવાસ પર માત્ર ૪૧.૩૩ લાખ રૃપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો.

ઓસ્ટ્રેલિયામાં હાઈ કમિશને માત્ર ૫.૬૦ કરોડ રૃપિયા તો વડાપ્રધાન અને તેમના પ્રતિનિધિ મંડળના સભ્યોના હોટેલ રોકાણ પર ખર્ચ કર્યા હતા. જયારે ભાડા પર લેવામાં આવેલી કાર પર ૨.૪૦ કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો. અમેરિકાની યાત્રા પણ ખર્ચાળ સાબિત થઈ હતી.ચીન યાત્રા પર ૧.૦૬ કરોડ રૃપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. બાંગલાદેશ યાત્રા પર ૧.૩૫ કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો. પ્રથમ વર્ષમાં મોદી ૩૬૫ દિવસ પૈકી ૫૩ દિવસ વિદેશમાં રહ્યાં હતાં. આ આંકડો અગાઉની સરકાર કરતા અલગ નથી.

You might also like