પોતાને ક્યારેય સ્ટ્રગલર ન કહોઃ‌ બિગ બી  

બોલિવૂડમાં પોતાની કિસ્મત અજમાવવા માટે રોજેરોજ હજારો યુવાનો અને યુવતીઓ અાવે છે. તેઓ એક્ટર બનવા માટે ઘણી બધી સ્ટ્રગલ પણ કરે છે. અાજે સ્ટ્રગલર શબ્દ છે તે ખરેખર ખૂબ જ થકવી નાખનારો છે. કેટલાક લોકો અા ઓળખ સાથે વર્ષોનાં વર્ષ બોલિવૂડમાં વિતાવે છે અને અંત સુધી સ્ટ્રગલર જ રહે છે. બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન કહે છે કે તમને કામ મેળવવામાં ભલે સમય લાગે, પરંતુ તમારી જાતને ક્યારેય સ્ટ્રગલર ન કહો. એક જૂઠને સો વખત કહેવામાં અાવે તો તે સત્ય બની જાય છે. તમે તમારી જાતને સ્ટ્રગલર કહેશો તો તમે હંમેશાં તેમજ રહેશો. 

ખુદને સ્ટ્રગલર કહેવાના બદલે એમ કહો કે હું એક્ટર છું અને મારું માર્કેટિંગ કરી રહ્યો છું, કેમ કે એક્ટરે કામ મેળવવા માટે રોજ તડકામાં દોડધામ કરવી પડે છે, જે એક પ્રકારનું માર્કેટિંગ જ છે. મોટા ભાગના એક્ટર પોતાના કામમાં સારા હોય છે, પરંતુ પોતાનું માર્કેટિંગ યોગ્ય રીતે ન કરી શકવાના કારણે તેઓ અાગળ અાવી શકતા નથી. 

તમે શું કરી શકો છો તે તમને ખબર હોવી જોઈએ. જો તમે ખુદ અંગે જાણતા ન હો તો જેની સાથે તમે કામ માગી રહ્યા છો તેને કેવી રીતે ખબર પડશે. તમને તમારી કાબેલિયત અને હુનર પર ભરોસો હોવો જોઈએ. તમે એક્ટર છો તો તમારું અાત્મસન્માન પણ જાળવી રાખવું જોઈએ. અાજીજી ન કરો, કેમ કે અાજીજી કરનારા લોકોને કોઈ કામ અાપતું નથી. જો તમે કલાકાર હો તો તમારી તાકાત અંગે જાણ હોવી જોઈએ. •

You might also like