‘પેસ-બોપન્નાની જોડી ડર પેદા કરશે’

નવી દિલ્હીઃ ભારતીય ડેવિસ કપ ટીમના નોન પ્લેઇંગ કેપ્ટન આનંદ અમૃતરાજે કહ્યું કે ચેક ગણરાજ્ય વિરુદ્ધ યોજાનાર ડેવિસ કપ વર્લ્ડ ગ્રૂપ પ્લે ઓફ મુકાબલામાં લિએન્ડર પેસ અને રોહન બોપન્નાની ડબલ્સ જોડી વિપક્ષી છાવણીમાં ખૌફ પેદા કરવાનું કામ કરશે અને એનાથી આપણને ફાયદો થશે. ૧૮થી ૨૦ સપ્ટેમ્બર દરમિયાન યોજાનાર મુકાબલા માટે બોપન્ના, યુકી ભાંબરી અને સોમદેવ દેવર્મન પહેલાથી જ અહીં પ્રેક્ટિસ કરી રહ્યા છે. સ્વિસ ખેલાડી માર્ટિના હિંગિસ સાથે મળીને યુએસ ઓપનના મિક્સ્ડ ડબલ્સનો ખિતાબ જીતનારાે લિએન્ડર પેસ આજે રાજધાની નવી દિલ્હી પહોંચીને ભારતીય ટીમ સાથે જોડાઈ જશે.૪૨ વર્ષીય પેસ આ અગાઉ ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ યોજાયેલા ગ્રૂપ ૧ એશિયા ઓશિયાના ડેવિસ કપ મુકાબલામાં ભારતીય ટીમ તરફથી નહોતો રમ્યો. જોકે પેસ ટીમમાં પાછો ફરવાને કારણે હવે સાકેત માયનેનીને બહાર બેસવું પડશે.  આનંદ અમૃતરાજે કહ્યું કે, ”૨૭ વર્ષીય માયનેની ટીમના હિતમાં કામ કરવાવાળો ખેલાડી છે. તે પહાડની માફક છે. તેણે વર્તમાન પરિસ્થિતિને સમજી છે હું તેનો આદર કરું છું.સાકેત સારો ખેલાડી છે, પરંતુ તેનામાં હજુ અનુભવની કમી છે, જ્યારે પેસ બોપન્નાની જોડી વિપક્ષી ટીમ માટે ડર પેદા કરે છે.”અમૃતરાજે વધુમાં કહ્યું કે, ”મારા માનવા પ્રમાણે આ સાકેત સાથે યોગ્ય નથી થયું. ગત વર્ષે ચીની તાઇપે અને કોરિયા વિરુદ્ધ મુશ્કેલ મુકાબલામાં રોહન અને સાકેતે મળીને આપણને જીત અપાવી હતી. ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ આ જોડી નહોતી જીતી શકી, પરંતુ એ બહુ જ મુશ્કેલ મેચ હતી. આ જ જિંદગી છે અને એને સ્વીકારવી જ પડે છે.” માયનેનીએ ડેવિસ કપમાં ગત વર્ષે ફેબ્રુઆરીમાં ચીની તાઇપે વિરુદ્ધ પહેલી મેચ રમી હતી. માયનેની ત્યારથી અત્યાર સુધીમાં બે ડબલ્સ અને સિંગલ્સ મેચ જીતી ચૂક્યો છે. ભારતીય ડેવિસ કપ ટીમના સભ્ય રોહન બોપન્નાએ કહ્યંુ કે ચેક ગણરાજ્યની ટીમમાં ભલે બે ટોપ ૧૦૦ ખેલાડી હોય, પરંતુ આપણે વિશ્વ ગ્રૂપમાં વાપસી કરવા સક્ષમ છીએ. હું નથી જાણતો કે ચેક ગણરાજ્યની તરફથી ડબલ્સમાં કોણ ઊતરશે. અમારે અમારી શ્રેષ્ઠ રમત રમવી પડશે.
You might also like