પેસ અને હિંગિસની જોડીએ US ઓપનનો ખિતાબ જીત્યો

ન્યૂયોર્કઃ લિએન્ડર પેસ અને માર્ટિના હિંગિસની જોડીએ યુએસ ઓપન મિક્સ્ડ ડબલ્સનો ખિતાબ જીતીને ઇતિહાસ રચી દીધો છે. ૧૯૬૯ બાદ પહેલી વાર એવું બન્યું છે કે જ્યારે આખા વર્ષ દરમિયાન કોઈ એક જોડીએ ત્રણ મુખ્ય ખિતાબ પોતાના નામે કર્યા હોય. આ બંનેએ યુએસ ઓપનની ફાઇનલમાં અમેરિકાના સેમ ક્વેરી અને બેથની માટેક સેન્ડસને ૬-૪, ૩-૬, ૧૦-૭થી માત આપી હતી. પેસ અને માર્ટિના હિંગિસની જોડીએ આ વર્ષે ઓસ્ટ્રેલિયન ઓપન અને વિમ્બલ્ડન ઓપનનો ખિતાબ પણ જીત્યો હતો. ચોથી ક્રમાંકિત પેસ-હિંગિસની જોડીએ પહેલા સેટમાં જોરદાર તાલમેલ સાધીને સેટ ૬-૪થી પોતાના નામે કરી લીધો હતો. બીજા સેટમાં સેમ-સેન્ડ્સની જોડીએ વાપસી કરીને સેટ ૬-૩થી જીતી લઈને સ્કોર ૧-૧ કરી દીધો હતો. ત્યાર બાદ પેસ-હિંગિસની જોડીએ પોતાના અનુભવનો પ્રયોગ કરતે પહેલાં સ્કોર ૬-૬ કર્યો, પછી ૭-૬ કરતા ટાઇબ્રેકરમાં પહેલી વાર સરસાઈ હાંસલકરી. ટૂંકમાં જ આ સરસાઈને ૮-૭ કરી દીધી. વિરોધી જોડીને વાપસીનો મોકો ન આપીને બંને સેટ ૧૦-૭થી પોતાના નામે કરી લેતા મેચ અને ખિતાબ જીતી લીધા હતા.લિએન્ડર પેસ અને માર્ટિના હિંગિસે બે ‘એસ’ સહિત કુલ ૨૨ વિનર લગાવ્યા. સેમ-બેથનીએ ૧૬ ભૂલ કરી, જ્યારે પેસ-માર્ટિનાએ ફક્ત આઠ ભૂલ કરી હતી. ભારતીય-સ્વિસ જોડીએ ૬૨ પોઇન્ટ જીત્યા, જ્યારે તેના હરીફ ૬૦ પોઇન્ટ બનાવી શક્યા. ૪૨ વર્ષીય પેસનો  બીજો યુએસ ઓપન મિક્સ્ડ ડબલ્સ અને ૧૭મો ગ્રાન્ડસ્લેમ ખિતાબ છે. પેસ નવમો ગ્રાન્ડ સ્લેમ ખિતાબ જીતીને મેઇલ મિક્સ્ડ ડબલ્સમાં સૌથી વધુ ખિતાબ જીતનારો ખેલાડી બની ગયો છે. પેસે આઠ મુખ્ય ડબલ્સ ચેમ્પિયનશિપ પણ જીતી છે. આ જીત સાથે માર્ટિના હિંગિસ ૧૯ ગ્રાન્ડ સ્લેમ જીતનારી મહિલા બની ગઈ છે, જેમાં પાંચ સિંગલ્સ, ૧૦ વુમન ડબલ્સ શામેલ છે. આવતી કાલે હિંગિસ પાસે વુમન્સ ડબલ્સમાં સાનિયા મિર્ઝા સાથે વધુ એક ખિતાબ જીતવાનો મોકો છે.
લિએન્ડર પેસના અત્યાર સુધીના ગ્રાન્ડસ્લેમ ખિતાબ
મેન્સ ડબલ્સ ખિતાબઃ
ઓસ્ટ્રેલિયન ઓપન ૨૦૧૨, ફ્રેંચ ઓપન ૧૯૯૯, ૨૦૦૧, ૨૦૦૯, વિમ્બલ્ડન ઓપન ૧૯૯૯, યુએસ ઓપન ૨૦૦૬, ૨૦૦૯, ૨૦૧૩મિક્સ્ડ ડબલ્સ ખિતાબ
ઓસ્ટ્રેલિયન ઓપન ૨૦૦૩, ૨૦૧૦, ૨૦૧૫. વિમ્બલ્ડન ઓપન ૧૯૯૯, ૨૦૦૩, ૨૦૧૦, ૨૦૧૫. યુએસ ઓપન ૨૦૦૮, ૨૦૧૫
 
You might also like