પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થાય તેવી શક્યતા

અમદાવાદઃ એક બાજુ વૈશ્વિક બજારમાં ક્રૂડની કિંમતોમાં વધારો થઇ રહ્યો છે તો બીજી બાજુ ડોલર સામે રૂપિયાએ ૬૬ની સપાટી ક્રોસ કરી દીધી છે ત્યારે સ્થાનિક ઓઇલ કંપનીઓની ઊંચી ક્રૂડ આયાત પડતરના પગલે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં લિટરે ૫૦ પૈસાથી ૧૦૦ પૈસા સુધીનો વધારો થાય તેવી મજબૂત શક્યતા છે. 

ઉલ્લેખનીય છે કે બિહાર ચૂંટણીને લઇને ઓઇલ કંપનીઓએ છેલ્લે ૧૫ સપ્ટેમ્બરે ભાવ સમીક્ષા દરમિયાન વધારો કરવાનો નિર્ણય પાછો ટાળ્યો હતો ત્યારે હવે આ વખતે ભાવવધારો થાય તેવી મજબૂત શક્યતાઓ સેવાઇ રહી છે.

જાણકારોના જણાવ્યા પ્રમાણે પાછલાં બે સપ્તાહમાં ક્રૂડની કિંમતમાં વધારો જોવાયો છે. બે સપ્તાહ પૂર્વે આંતરરાષ્ટ્રીય બજારમાં બ્રેન્ટ ક્રૂડના ભાવ બેરલદીઠ ૪૬.૬૩ ડોલર હતા, જેમાં વધારો નોંધાયો છે. આજકાલ વૈશ્વિક ક્રૂડના ભાવ વધીને ૪૮ ડોલર પ્રતિબેરલની સપાટીએ પહોંચી ગયા છે ત્યારે ઓઇલ કંપનીઓની બાસ્કેટ ખરીદી પડતર ઊંચી આવતાં ભાવવધારો થાય તેવી સંભાવના ઊંચી છે.

ઉલ્લેખનીય છે કે ઓઇલ કંપનીઓ પેટ્રોલ અને ડીઝલના ભાવની દર બે સપ્તાહે સમીક્ષા કરે છે. જેના ભાગરૂપે ફરી એક વખત આવતી કાલે સમીક્ષા થાય તથા સ્થાનિક બજારમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ભાવવધારો આવે તેવી મજબૂત સંભાવનાઓ જોવાઇ રહી છે.

You might also like