પેટ્રોલનાં ભાવમાં લિટરે રૂ.૧.ર૭, ડીઝલમાં ૧.૧૭નો ઘટાડો કરાયો

નવી દિલ્હી: વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલની કિંમતોમાં ભારે ઘટાડાના પગલે ફરી એકવાર પેટ્રોલના ભાવમાં લિટરે ૧.ર૭ અને ડીઝલના ભાવમાં લિટરે ૧.૧૭નો ઘટાડો કરાયો છે. આ ભાવ ઘટાડો મધ્યરાત્રીથી અમલી બનવાની જાહેરાત કરાઈ હતી. છેલ્લા ૧૫ દિવસ દરમિયાન ક્રૂડની કિંમતમાં ૧૧ ટકા સુધીનો ઘટાડો નોંધાયો છે. ઓઇલ કંપનીઓ દર ૧૫ દિવસે વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલની કિંમત અને ડોલર સામે રૂપિયાના એકસ્ચેન્જ રેટના આધારે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ફેરફાર જાહેર કરે છે.ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ આ અગાઉ સતત ત્રણવાર પેટ્રોલમાં અને ચારવાર ડીઝલના ભાવમાં ઘટાડો કર્યો છે. આ મહિનાની પહેલી તારીખે પેટ્રોલના ભાવમાં લિટરે રૂ. ૨.૪૩ અને ડીઝલમાં લિટરે રૂ. ૩.૬૦નો ઘટાડો કરવામાં આવ્યો હતો. એનર્જી એકસપર્ટના જણાવ્યા અનુસાર, ઇરાન પર પ્રતિબંધ હટવાથી ઉત્પાદન વધવાના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ હજુ વધુ ગબડવાની શંકા છે. કંપનીઓ પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડો કરતા અચકાશે નહિ. ભારતીય બાસ્કેટમાં ક્રૂડ ઓઇલની સરેરાશ કિંમત છેલ્લા ૧૫ દિવસમાં ૯ ટકાથી વધુ ઘટી છે. નાઇમેકસ પર ક્રૂડની કિંમતમાં આશરે ૧૧ ટકાનો ઘટાડો નોંધાયો છે. આ દરમિયાન બ્રેન્ટ ક્રૂડની કિંમત છ ટકા ઘટી છે. જોકે, ડોલરની સામે રૃપિયો નબળો બન્યો છે, પરંતુ સરેરાશ એકસચેન્જ રેટમાં લગભગ ૦.૩ ટકા ફેરફાર થયો છે. આ જોતા ઓઇલ માર્કેટિંગ કંપનીઓ આગામી સમીક્ષામાં પેટ્રોલ તથા ડીઝલના ભાવમાં ત્રણથી ચાર રૂપિયા સુધી ઘટાડો કરી શકે છે.
 

You might also like