પેટે પાટા બાંધીને શહેરનાં વિકાસનાં કામો પૂરાં કરો!

અમદાવાદઃ મેગા સિટી અમદાવાદમાં શાસકો ઉત્સવો, કાર્નિવલો, ઉદ્ઘાટનો અને ભૂમિપૂજનોના શાનદાર-જાનદાર કાર્યક્રમ યોજીને મ્યુનિ. તિજોરીને ખાલી કરે છે તો વહીવટીતંત્ર પ્રોજેક્ટોને સમયસર પૂરા ન કરીને કે પછી પાછળથી નવી ડિઝાઈન, નવા પ્લાન મુજબની અાઈટમ ઉમેરીને કોર્પોરેશનનું દેવાળું ફૂંકે છે. સરવાળે સત્તાધીશોની ‘નાણાં વગરના નાથિયા’જેવી થતાં હવે પેટે પાટા બાંધીને જે તે પ્રોજેક્ટ એટલે કે વિકાસનાં કામો પૂરાં કરવાં પડશે.

ચાલુ નાણાકીય વર્ષ ૨૦૧૫-૧૬ના કમિશનરના રૂ. ૫૨૫૦ કરોડના જંબો ડ્રાફ્ટ બજેટમાં શાસક ભાજપ પક્ષે રૂ. ૧૫૭.૫૦ કરોડના વિકાસનાં કામો ઉમેરીને રૂ. ૫૬૬૫ કરોડનું બજેટ તૈયાર કર્યું હતું. કુલ રૂ. ૩૦૦૦ કરોડનાં વિકાસનાં કામો તંત્ર અને શાસક પક્ષે બજેટમાં દર્શાવીને અમદાવાદીઅોને ખુશખુશાલ તો કરી દીધા, પરંતુ વિકાસનાં કામો કરવા મ્યુનિ. તિજોરીમાં જ નથી.

ખુદ મ્યુનિ. કમિશનર ડી. થારાને અાગામી નાણાકીય વર્ષ ૨૦૧૬-૧૭ માટેના અાવક અને ખર્ચના અંદાજ તેમજ ચાલુ વર્ષના ૨૦૧૫-૧૬ના સુધારેલા માેકલવા બાબત ગત તા. ૧ અોક્ટોબર, ૨૦૧૫અે બહાર પાડેલા અત્યંત તાકીદના પરિપત્રમાં જે તે વિભાગના ઉચ્ચ અધિકારીઅોને પેટે પાટા બાંધીને પોતાના પ્રોજેક્ટ પૂરા કરવાની સૂચના અાપવી પડી છે.

કમિશનર થારાઅે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે ચાલુ વર્ષ ૨૦૧૫-૧૬ના સુધારેલા અંદાજમાં (એટલે કે પ્રોજેક્ટ ખર્ચના વધારામાં!) વધારાની રકમ ફાળવવાની ઉદારતા નથી! એટલે જો કોઈ વિભાગને કોઈ પણ અનિવાર્ય ખર્ચ માટે વધારાના બજેટની જરૂર હોય તો તેમના વિભાગને ફાળવેલું અન્ય બજેટ હેડ કે જેમાં બચત કે કરકરસરની શક્યતા હોય તો તેમાંથી રકમ અોછી કરીને વધારાનો ખર્ચ કરશે!

અત્યારે તો કમિશનરના અાદેશથી મોટા પ્રોજેક્ટ હાથ પર લઈને સાતમા અાસમાનમાં વિહરતા ઉચ્ચ અધિકારીઅો જમીન પર પટકાઈને બચતના રસ્તા શોધી રહ્યા છે. અા તમામ કવાયતને અાગામી તા. ૫ નવેમ્બર, ૨૦૧૫ સુધીમાં પૂર્ણ કરીને નાણાં ખાતાને મોકલી અાપવાનો પણ કમિશનરે હુકમ કર્યો છે. અે જે હોય તે પણ અાગામી નાણાકીય વર્ષ ચૂંટણીનું હોઈ તંત્ર તરફથી નવા કરવેરાની ગુંજાઇશ રહેશે નહીં.

You might also like