પૂર્વ ભારતીય ક્રિકેટર શ્રીરામને ઓસ્ટ્રેલિયન ટીમનો સલાહકાર બનાવાયો

નવી દિલ્હીઃ જે ખેલાડીને ટીમ ઇન્ડિયામાં તેની પ્રતિભાને અનુરૂપ પૂરુ સન્માન નથી મળ્યું અને હવે ૩૯ વર્ષની ઉંમરમાં ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ તેને પોતાની ટીમ સાથે જોડ્યો છે. ભારતના પૂર્વ બેટ્સમેન શ્રીધરન શ્રીરામને ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ બાંગ્લાદેશ પ્રવાસ માટે વિશેષ સલાહકાર તરીકે નિયુક્ત કર્યો છે. તાજેતરમાં ભારત આવેલી ઓસ્ટ્રેલિયન-એ ટીમના સલાહકાર તરીકે તેણે કામ કર્યું હતું. જેમાં ઓસ્ટ્રેલિયા-એ એ ભારત-એ ને ૧-૦થી હરાવ્યું હતું.  સાથે ભારતીય ચાહકો માટે એ પણ ગર્વની વાત છે કે આ પહેલી તક છે જ્યારે કોઇ ભારતીયને ઓસ્ટ્રેલિયાએ પોતાના મદદનીશ સ્ટાફમાં સામેલ કર્યો હોય. ટીમ ઇન્ડિયાના આ પૂર્વ ઓલરાઉન્ડર ઓસ્ટ્રેલિયાની ઓછી અનુભવવાળી ટીમને બેટિંગ અને સ્પિન બોલિંગ બંનેમાં મહત્વપૂર્ણ ટિપ્સ આપવાનું કામ કરશે.હમણાં જ એશિઝમાં ઇંગ્લેન્ડના હાથે ૩-૨થી પરાજિત થયેલી ઓસ્ટ્રેલિયન ટીમ ઓક્ટોબર મહિનામાં બાંગ્લાદેશ સામે બે ટેસ્ટ મેચ રમશે. એશિઝ હાર્યા પછી માઇકલ કલાર્ક, શેન વોટસન, ક્રિસ રોજર્સ, રેયાન હેરિસ અને બ્રેડ હેડિન જેવા મહત્વપૂર્ણ ખેલાડીઓની સન્યાસની જાહેરાત પછી કપ્તાન સ્ટીવન સ્મિથ માટે કપ્તાન તરીકેની પહેલી ટેસ્ટ સિરિજ હશે. ઓસ્ટ્રેલિયન ટીમ આ પ્રવાસને બહુ જ ગંભીરતાથી લઇ રહી છે. કારણ કે તાજેતરમાં બાંગ્લાદેશે પોતાના ઘર આંગણે પાિકસ્તાન, ભારત અને દક્ષિણ આફ્રિકાને વન ડેમાં હરાવી વિશ્વ ક્રિકેટમાં પોતાની મજબૂત છાપ છોડી હતી. અને આ પ્રદર્શન ટેસ્ટ ક્રિકેટમાં ફરી દોહરાવવા માંગે છે.બીજી બાજુ જયવર્ધનને ઇંગ્લેન્ડે પાકિસ્તાન સાથે યુએઇમાં રમાનાર ટેસ્ટ મેચ માટે પોતાનો સલાહકાર બનાવ્યો છે. જેને જોતાં ઓસ્ટ્રેલિયાએ પણ શ્રી રામને ટીમનો સલાહકાર બનાવ્યો છે. શ્રી રામે ભારત તરફથી આઠ વન ડે મેચ રમી છે. જેમાં તેણે એક અર્ધશતક સાથે માત્ર ૮૧ રન બનાવ્યા છે. જ્યારે બોલિંગમાં તેણે નવ વિકેટ ઝડપી છે. પરંતુ તેણે ઘરઆંગણાના ક્રિકેટમાં ૫૩ની શ્રેષ્ઠ એવરેજથી ૧૦,૦૦૦થી વધુ રન બનાવ્યા છે.  તે સ્પિનનો સુંદર ખેલાડી છે, આઇપીએલમાં દિલ્હી ડેવરડેવિલ્સના મદદનીશ કોચ તરીકે કામ કરી ચૂક્યો છે. સાથે જ ઓસ્ટ્રેલિયા-એ ના સલાહકાર તરીકે પણ તે કામ કરી ચૂક્યો છે.
 
You might also like