પૂર્વ ચીફ જસ્ટિસ બાલકૃષ્ણન સામે આઈટી તપાસને સુપ્રીમની મંજૂરી

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે દેશના પૂર્વ મુખ્ય ન્યાયાધીશ કે. જી. બાલકૃષ્ણનના પરિવારજનો પર બેહિસાબ સંપત્તિના મામલામાં આયકર તપાસને મંજૂરી આપી દીધી છે. જસ્ટિસ બાલકૃષ્ણનન સુપ્રીમ કોર્ટનાં જ્જ અને રાષ્ટ્રીય માનવાધિકાર પંચના અધ્યક્ષ હતા ત્યારે પોતાના પુત્ર-પુત્રી અને ભાઈને લાભ પહોંચાડવાનો આરોપ છે.

આયકરના મામલામાં સુપ્રીમ કોર્ટમાં હવે ૧પમી નવેમ્બરે સુનાવણી થશે. જસ્ટિસ દિપક મિશ્ર અને પ્રફુલસિંહ પંતની ખંડપીઠે જણાવ્યું છે કે, હવે એ આવકવેરા વિભાગની જવાબદારી છે કે, તે તેઓની આવકનો સ્ત્રોત શોધી કાઢે. ખંડપીઠે બિનસરકારી સંગઠન કોમન કોઝની દાખલ થયેલી અરજી પર સુનાવણી દરમિયાન એટર્ની જનરલની મદદ લેવાની પણ વાત જણાવી હતી. ર૦૧૩માં દાખલ થયેલી અરજીમાં રાષ્ટ્રીય માનવાધિકાર પંચના તત્કાલિન અધ્યક્ષ બાલકૃષ્ણનને હટાવવાની પણ અપીલ થઇ હતી.

ખંડપીઠે સંક્ષિપ્ત સુનાવણી દરમિયાન જણાવ્યું હતું કે, આયકર નિયમોના ઉલ્લંઘન મામલાની તપાસ થઈ શકે છે. જો કે બેનામી સંપત્તિની હેરાફેરીનો કોઈ મામલો નથી. આ અરજીમાં સીબીઆઈ તપાસની પણ માંગણી થઇ હતી. સર્વોચ્ચ અદાલતે જણાવ્યું છે કે, જ્જ સંરક્ષણ એકટના કેટલાક મામલા લાગુ થઈ શકે છે પરંતુ આયકર વિભાગે તેમની વિરુધ્ધ અદાલતી કાર્યવાહી જ કરવાની રહેશે.

એનજીઓ તરફથી રજૂ થયેલા વકીલ પ્રશાંત ભૂષણનો આરોપ છે કે, સુપ્રીમ કોર્ટના પૂર્વ મુખ્ય ન્યાયધીશ જસ્ટિસ બાલકૃષ્ણનના પુત્ર-પુત્રી, જમાઈ અને ભાઈના નામે લગભગ ર૧ બેનામી સંપત્તિ લેવામાં આવી છે. તેમણે દલીલ કરી હતી કે, આયકર ઓફિસરની જવાબદારી છે કે, તેઓ આવકના સ્ત્રોતની માહિતી મેળવે પરંતુ હજુ સુધી પગલાં લેવાયા નથી. પ્રશાંત ભૂષણે જણાવ્યું હતું કે, ન્યાય પ્રણાલીમાં લોકોનો વિશ્વાસ જળવાઈ રહે તે માટે સીબીઆઈએ આવકથી વધુ સંપત્તિ મેળવવાના આરોપમાં ભ્રષ્ટાચાર નિવારણ કાનૂન હેઠળ તપાસ કરવી જોઈએ.

 

You might also like