પુંચમાં રાતથી પાક. દળોનું અંધાધૂંધ ફાયરિંગ સતત જારી

શ્રીનગરઃ પાકિસ્તાનના સુરક્ષા દળોએ જમ્મુ  કાશ્મીરમાં પુંચમાં ભારતીય સ્થળો પર ફરી એકવાર કોઈ પણ જાતની ઉશ્કેરણી વગર ફાયરિંગ કર્યું છે. રવિવારે રાત્રે ૧૧.૦૦ વાગ્યાથી પાકિસ્તાની રેન્જરોએ ગોળીબાર શરૂ કરી દીધા હતા. ભારતીય લશ્કરે પણ પાકિસ્તાનની આ નાપાક હરકતનો વળતો જવાબ આપ્યો છે.

અહેવાલો અનુસાર યુદ્ધ વિરામ ભંગની આ તાજેતરની ઘટના પુંચના સૌજિયામાં થઈ છે. હજુ સુધી ફાયરિંગમાં કોઈ ખુવારી થઈ હોવાના સમાચાર નથી. આજે સવારે  ૬.૦૦ કલાકે ફરીથી પાકિસ્તાની દળોએ શરૂ કરેલું ફાયરિંગ હજુ ચાલુ છે. લશ્કરના પ્રવકતાએ જણાવ્યું હતું કે રવિવારે રાત્રે ૧૧.૦૦ વાગ્યાથી સરહદની પેલે પારથી ૮૨ એમએમ મોર્ટર અને આરપીજી શેલ્સ ભારત પર છોડવામાં આવ્યા છે.

જ્યારે દિલ્હીમાં ૯થી ૧૨ સપ્ટેમ્બર દરમિયાન ભારત પાકિસ્તાન વચ્ચે બીએસએફ અને પાક રેન્જર્સ સ્તરીય વાટાઘાટની તૈયારી ચાલી રહી છે ત્યારે પણ પાકિસ્તાને ભારત પર ફાયરિંગ ચાલુ રાખ્યું છે. આ વાતચીતમાં ભારત-પાક સરહદે યુદ્ધ વિરામ ભંગનો મુદ્દો ભારત ઉઠાવશે, જ્યારે બીજી બાજુ પાકિસ્તાન અત્યાર સુધી યુદ્ધ વિરામ ભંગ માટે ભારતને જ જવાબદાર ગણાવી રહ્યું છે.

આ વર્ષે પાકિસ્તાન તરફથી ૨૪૧ વખત યુદ્ધ વિરામનો ભંગ કરવામાં આવ્યો છે. એકલા ઓગસ્ટ મહિનામાં જ પાકિસ્તાને ૫૫ વખત યુદ્ધ વિરામ ભંગ કર્યો હતો.

You might also like