પીઓકેમાં ચીનનો જબ્બર પગદંડો

ઈસ્લામાબાદ : પાકિસ્તાનમાં ચીનનો લોખંડી પંજો ફરી વળ્યો છે ત્યારે પાકિસ્તાનના કબ્જા હેઠળના કાશ્મીરમા સંખ્યાબંધ પ્રોજેકટોના ઓઠા હેઠળ હજારો ચીની કામદારો ઘૂસી ગયા છે અને અનેક પ્રોજેકટોમાં કામ કરી રહ્યાના હેવાલો બહાર આવ્યા છે જે ભારત માટે ચિંતાજનક દર્શાવાઈ રહેલ છે. સંખ્યાબંધ માળખાકીય વિકાસ પ્રોજેકટોના નામ હેઠળ ચીનના ત્રણેક હજાર કામદારો કાર્યરત હોવાનું જાણીતા પત્રકાર પીરઝાદા આશીકના હેવાલમાં જણાવાયું છે.

આ પ્રોજેકટોમાં ત્રણ મેજર પ્રોજેકટો પૈકી ૧૧૦૦ મેગાવોટ વિજળી ઉત્પન્ન કરતો કોહાટા પ્રોજેકટ, ૯૬૯ મેગાવોટનો નીલમ  જેલમ પ્રોજેકટ અને ૫૦૦ મેગાવોટનો ચાકોથી હાટીઆ પ્રોજેકટ મુખ્ય છે. એડાલ નીલમ  જેલમ પ્રોજેકટ માટે ચીને ૨૭૪ અબજ રૃપિયાનું રોકાણ કર્યુ છે. આ ઉપરાંત ગીલગીટથી બાલ્તિસ્તાન કોરીડોરને આવરી લેતો હાઈવે અને અહીં રેલવે નેટવર્કનો જંગી પ્રોજેકટ પણ ચીનના લિસ્ટમાં છે. આ ૧૩૦૦ કિ. મી. ના જંગી રોડ પ્રોજેકટમાં ચીને કરોડો રૃપિયા અત્યાર સુધીમાં વાપરી ચૂકેલ છે. ઈસ્લામાબાદથી મુઝફફરનગર જતા ઠેર ઠેર ચીની કામદારો જોવા મળે છે.

 

જેલમ અને નીલમ નદીના કાંઠે ઠેર-ઠેર ચીની કામદારો માટેના ભગવા રંગના ટેન્ટો અને સાઈનબોર્ડ જોવા મળે છે. ૮૦ હજારનો ભોગ લેનાર ૨૦૦૫ના ભૂકંપ પછી પાકિસ્તાને તેના કબ્જા હેઠળના કાશ્મીરમાં વિદેશી રોકાણો માટેના દરવાજા ખોલી નાખ્યા છે. પાકિસ્તાને રાજધાનના પુનઃનિર્માણ માટે દરવાજા ખોલી નાખ્યા છે. રોડ અને પાવર પ્રોજેકટમાં ચીને મોટાપાયે ઝંપલાવ્યુ છે અને અરબો રૃપિયાનું રોકાણ કર્યુ છે.

You might also like