પીએમ મોદી ફેસબુક હેડક્વાર્ટરની લેશે મુલાકાત

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેમના અમેરિકા પ્રવાસ દરમિયાન ફેસબુકના સિલિકોન વેલી સ્થિત હેડક્વાર્ટરની મુલાકાત લેશે. આ વાત અંગેની જાણકારી ફેસબુકના ફાઉન્ડર માર્ક ઝુકેરબર્ગે આપી. આ સાથે જ ઝુકેરબર્ગે જણાવ્યું કે ટાઉન હોલમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે સવાલ-જવાબ સેશનનું આયોજન પણ કરવામાં આવ્યું છે. ફેસબુક પોસ્ટમાં ઝુકેરબર્ગે કહ્યું કે મને જણાવતાં આનંદ થાય છે કે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ મહિનાના અંતમાં ફેસબુકના હેડક્વાર્ટરના ટાઉન હોલમાં સવાલ-જવાબ સેશનમાં ભાગ લેશે. તેણે કહ્યું કે ગત વર્ષે ભારતના પ્રવાસ દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત થઇ હતી. હવે પીએમ મોદીનું ફેસબુકમાં સ્વાગત એ સન્માનની વાત છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના અમેરિકા પ્રવાસ દરમિયાન તેઓ ગૂગલના કેમ્પસની મુલાકાતે જાય તેવી પણ શક્યતા છે. ગૂગલનું કેમ્પસ પણ સિલિકોન વેલીમાં જ છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને પણ સંબોધન કરે તેવી શક્યતા છે.

You might also like