પીઆઈ વગર ચાલતું પોલીસ સ્ટેશન  

અમદાવાદઃ શહેરમાં તાજેતરમાં 6 નવાં પોલીસ સ્ટેશન બનાવવામાં આવ્યાં છે. આ પોલીસ સ્ટેશનો પૈકી વાડજ પોલીસ સ્ટેશનમાં હજુ સુધી એક પણ પોલીસ ઇન્સ્પેક્ટરની નિમણૂક કરવામાં આવી નથી ત્યારે આ પોલીસ સ્ટેશનની તમામ કાર્યવાહી નારણપુરા પોલીસ સ્ટેશન તરફથી કરવામાં આવે  છે. શહેરમાં આવેલાં 45 પોલીસ સ્ટેશનો પૈકી 28 પોલીસ સ્ટેશનોમાં સેકન્ડ પોલીસ ઇન્સ્પેકટરોની જગ્યા છેલ્લા ઘણા સમયથી ભરવામાં આવી નથી 

ગત ત્રીજી તારીખના રોજ વાડજ પોલીસ સ્ટેશન શરૂ કરી દેવાયું છે. પ્રગતિનગર ગાર્ડન પાસે જૂનું નારણપુરા પોલીસ સ્ટેશન આવેલું હતું, જે દોઢેક વર્ષ પહેલાં ભીમજીપુરા પાસે લઇ ગયા હતા ત્યારે જૂના નારણપુરા પોલીસ સ્ટેશનને વાડજ પોલીસ સ્ટેશન બનાવી દેવાયું પરંતુ ચોંકાવનારી વાત એ છે કે આ પોલીસ સ્ટેશન માત્ર પીએસઓ સહિત 18 પોલીસકર્મીઓના ભરોસે ચાલી રહ્યું છે. 19 દિવસથી આ પોલીસ સ્ટેશન બન્યું છે પરંતુ આજદિન સુધી એક પણ પોલીસ ઇન્સ્પેક્ટરની નિમણૂક કરવામાં આવી નથી ત્યારે નારણપુરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ખાલી દેખાવ પૂરતા ચાર્જમાં મૂકવામાં આવ્યા છે.

જોવા જઇએ તો નારણપુરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર, તમામ પીએસઆઇ તથા ડી સ્ટાફ અને અન્ય પોલીસકર્મીઓ નારણપુરા સહિત જૂના વાડજ પોલીસ સ્ટેશનની પણ ડ્યૂટી કરી રહ્યા છે. કારણ કે વાડજ પોલીસ સ્ટેશનમાં કોઇ પણ સ્ટાફ પૂરતો ન હોવાના કારણે પોલીસ સ્ટેશનમાં નોધાતા તમામ કેસોની તપાસ નારણપુરા પોલીસ સ્ટેશન કરી રહ્યું છે ત્યારે બીજી તરફ આ પોલીસ સ્ટેશનને મોબાઇલ વાન પણ ફાળવવામાં આવી નથી.

28 પોલીસ સ્ટેશનો ખાલી એક પોલીસ ઇન્સ્પેક્ટર ઉપર ચાલી રહ્યાં છે. કાયદેસર જો પોલીસ ઇન્સ્પેક્ટરની જગ્યા ભરવામાં આવે તો શહેરમાં 45 પોલીસ સ્ટેશનમાં 90 પોલીસ ઇન્સ્પેક્ટરો હોવા જોઇએ, પરંતુ તેની જગ્યાએ શહેરમાં 61 પોલીસ ઇન્સ્પેક્ટરો પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવી રહ્યા છે. 

અમદાવાદની વહીવટી શાખાના  એ‌િડશનલ સીપી આર.જે. સવાણીએ જણાવ્યું છે કે સ્ટાફના અભાવના કારણે ભરતી શક્ય નથી. છેલ્લા ઘણા સમયથી પીએસઆઇના પ્રમોશન આવ્યા નથી ત્યારે સીધી પોલીસ ઇન્સ્પેક્ટરની ભરતીમાં પણ બે વર્ષ થશે, જેના કારણે શહેરમાં પોલીસ ઇન્સ્પેકટરોની ભરતી થઇ શકતી નથી ત્યારે બીજી બાજુમાં વાડજ પોલીસ સ્ટેશન નવું ચાલુ થયું છે. જો નવા પોલીસ ઇન્સ્પેક્ટર મૂકવામાં આવે તો તેને કાંઇ સમજણ ના પડે તેના માટે નારણપુરા પોલીસ ઇન્સ્પેકટરને ચાર્જમાં મૂક્યા છે 

 

You might also like