પાસપોર્ટ માટે લાંચ લેતાં PSIનું 'સ્ટિંગ'

વડોદરા : ગુજરાત સરકાર પોલીસ વિભાગને વધુ કાર્યક્ષમ અને પ્રજાના મિત્રની ભૂમિકા ભજવે તે માટે પ્રયત્નો કરી રહી છે ત્યારે વડોદરા પોલીસ વિભાગ ઉત્તર પ્રદેશ અને બિહારને પણ પાછળ પાડી દે તેવી કામગીરી કરી રહી હોવાનું જાણવા મળે છે. વડોદરા પોલીસ વિભાગમાં ફરજ બજાવતા કર્મચારીઓ લાંચ લેવી એ ભ્રષ્ટાચાર નહીં પરંતુ સિષ્ટાચાર હોય તેમ શરમને નેવે મૂકી લોકો પાસેથી લાંચની માગણી કરતા હોય છે.

શહેરના સંવેદનશીલ વિસ્તાર ગણાતા સિટી પોલીસ મથકના એક પોલીસ સબ ઇન્સ્પેક્ટરે પાસપોર્ટ વેરિફિકેશન માટે આવેલ એક નાગરિક પાસેથી રૂ. ૨૦૦ લાંચ પેટે લેતા આ બાબતે લાંચરૃશ્વત વિરોધી શાખામાં ફરિયાદ પણ કરવામાં આવી છે. પ્રાપ્ત વિગતો મુજબ ઉત્તરપ્રદેશ અને બિહારની પોલીસને પણ પાછળ પાડી દે તેવો કિસ્સો આજ કાલ પોલીસ વિભાગમાં ચર્ચાનો વિષય બન્યો છે.

શહેરના ચાંપાનેર વિસ્તારમાં સોના-ચાંદીના દાગીનાની દુકાન ધરાવતા મુકેશ નામના યુવકે શહેર પોલીસ વિભાગમાં ચાલતા ભ્રષ્ટાચારનો પર્દાફાશ કર્યો છે. મુકેશના ભાઇ કમલેશને પાસપોર્ટ કઢાવવાનો હોવાથી તેણે અરજી કરી હતી. પાસપોર્ટના વેરીફિકેશન માટે ચાંપાનેર પોલીસ ચોકીએ પોસઇએ કમલેશને બોલાવ્યો હતો અને વેરિફિકેશન કરી આપવા પેટે રૂ. ૩૦૦ની માગ કરી હતી. કમલેશે આ અંગે તેના ભાઇ મુકેશને જાણ કરી હતી.

મુકેશે પોલીસ સબ ઇન્સ્પેક્ટર પાસે રૂ. ૩૦૦ની પાવતીની માગણી કરી હતી. જોકે પોસઇએ મુકેશને સ્પષ્ટ જણાવ્યું હતું કે,આ લાંચ કહેવાય, લાંચની પહોંચ હોય નહીં. તમને બહુ લાગતું હોય તો અમને લાંચ રૃશ્વત વિભાગમાં પકડાવી દેવાના. મુકેશે રૂ. ૨૦૦ આપીને વેરિફિકેશન કરી આપવા જણાવ્યું હતું. દરમિયાનમાં મુકેશે પોસઇને રૂ. ૨૦૦ ચાંપાનેર ચોકીની બહાર ચૂકવ્યા હતા અને સમગ્ર ઘટનાને કેમેરામાં કંડારી લીધી હતી. પોલીસ વિભાગમાં ચાલતા ભ્રષ્ટાચાર અંગે મુકેશે લાંચ રૃશ્વત વિરોધી શાખામાં પણ ફરિયાદ કરી હતી. જાહેર માર્ગ પર પોસઇએ પાસપોર્ટ વેરિફિકેશન માટે લીધેલા રૂ. ૨૦૦ પોલીસ વિભાગમાં ચર્ચાનો વિષય બન્યો હતો.

You might also like