પાટીદાર અનામત : ૭ મંત્રીની ઉચ્ચસ્તરીય સમિતિની રચના

અમદાવાદ : પાટીદાર સમુદાયના આંદોલનને લઈને સમુદાયના લોકો આક્રમક મૂડમાં છે, ત્યારે આ આંદોલનને લઈને સરકાર પણ હચમચી ઉઠી છે. જેના પરિણામ સ્વરૃપે આખરે ગુજરાત સરકારે અનામતની માંગણીની રજુઆતો સાંભળવા ઉચ્ચસ્તરીય સમિતીની રચના કરી છે. સાત મંત્રીઓની ઉચ્ચસ્તરીય સમિતી બનાવવામાં આવી છે. આ સમિતીનું નેતૃત્વ નિતિનભાઈ પટેલ સંભાળશે.

સરકારી નોકરી તથા ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં અનામતની માંગણીની રજુઆત સાંભળવા માટે સાત મંત્રીઓની ઉચ્ચસ્તરીય સમિતી રચવામાં આવી છે.આરોગ્ય મંત્રીના નેતૃત્વમાં આ સમિતીમાં જે પ્રધાનો છે તેમાં રમણલાલ વોરા, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, બાબુભાઈ બોખિરીયા તથા રાજ્યમંત્રી વસુબેન ત્રિવેદી,નાનુભાઈ વાનાણી અને રજનીભાઈ પટેલનો સમાવેશ થાય છે. આ ઉચ્ચસ્તરીય સમિતી જુદા-જુદા સમાજ અને સંગઠનોના પ્રતિનિધિઓની રજુઆત સાંભળીને તેનો અહેવાલ રાજ્ય સરકારને સુપ્રત કરશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, પાટીદાર સમુદાય અમદાવાદમાં મહારેલીની તૈયારીમાં લાગેલા છે. ૨૫મી ઓગસ્ટના દિવસે આ મહારેલી યોજાનાર છે, જેની તમામ તૈયારીઓમાં પાટીદાર સમુદાયના લીડરો આક્રમક દેખાઈ રહ્યા છે. અમદાવાદ રેલીમાં લાખો લોકો ઉમટી પડે તેવી શક્યતા દેખાઈ રહી છે. આ શક્તિ પ્રદર્શનની તમામ તૈયારી ચાલી રહી છે. સાબરમતી રિવરફ્રન્ટ ખાતેની રેલીને લઈને જરૃરી પરવાનગી પોલીસ પાસેથી માંગવામાં આવી છે.

પાટીદાર સમુદાય દ્વારા ગાંધીનગરમાં પણ શક્તિપ્રદર્શન કરવામાં આવી ચુક્યું છે.પાટીદાર સમુદાયનું અનામત આંદોલન દિન પ્રતિદિન વધુને વધુ તીવ્ર બની રહ્યું છે. આજે પણ રેલીઓનો દોર જારી રહ્યો હતો. આજે વિવિધ વિસ્તારોમાં કાર્યક્રમો યોજાયા હતા. જેમાં હજારો લોકો જોડાયા હતા.  સવારના રેલી શરૃ થઈ હતી. પાટીદાર સમુદાયના હાર્દિક પટેલ કહી ચુક્યા છે કે, અનામત અમારો હક છે અને એ મેળવીને જ રહીશું તેમજ તેણે વધુમાં જણાવ્યું હતું કે જો અનામત નહીં મળે તો ભાજપ કે કોંગ્રેસ કોઈપણ સરકાર હશે તેને ઉખાડીને ફેંકી દઈશું. અનામત રેલીમાં જુદી-જુદી જગ્યાઓએ લોકો ઉમટી રહ્યા છે.

You might also like