પાટીદારો-ભાજપના કાર્યકરો વચ્ચે ઘર્ષણ

રાજપીપળા : નર્મદા જિલ્લામાં વડામથક રાજપીપળા ખાતે નર્મદા જિલ્લા યુવા ભાજપ યુવા મોરચા દ્વારા યુવા ચેતના રેલીનું આયોજન કર્યું હતું. જેમાં કેસરીયા ખેસ પહેરીને મોટી સંખ્યામાં મોટરસાઈકલ જીપમાં વાહનોની રેલી રાજપીપળા સુધી કાઢવામાં આવી હતી. જેમાં ગુજરાત પ્રદેશ યુવા ભાજપ પ્રદેશ પ્રમુખ પ્રદીપસિંહ વાઘેલા સાથે યુવા ભાજપના કાર્યકરો મોટી સંખ્યામાં રેલી સ્વરૂપે ભદામ ગામે સરદાર પટેલની પ્રતિમાને ફુલહાર કરવા ગઈ હતી.

ત્યારે ભદામ ગામના પાટીદારોએ રેલીનો વિરોધ કર્યો હતો અને સરદારની પ્રતિમાને ફુલહાર નહીં કરવા માટે ગેટને તાળાબંધી કરી હતી. પરંતુ પ્રદેશ પ્રમુખ પ્રદીપસિંહ વાઘેલાએ જણાવ્યું કે, સરદાર પટેલ આપણા સૌના નેતા છે. સરદાર પટેલના કારણે દેશને આઝાદી મળી તેમના ચરણોમાં વંદન કરતા મને કોઈ રોકી શકે નહીં તેમ જણાવી તાળાબંધી કરેલ દિવાલ કૂદીને અંદર પ્રવેશીને સરદારની પ્રતિમાને ફુલહાર કરી દીધા હતા ત્યાંથી રેલી આગળ વધી હતી.

જો કે ગુજરાતમાં ચાલી રહેલા પાટીદાર અનામત આંદોલનનો ભાજપ સરદાર પ્રતિ પાટીદારોનો વિરોધ હોવાથી યુવા ભાજપની ચેતના રેલીને ભદામ ગામે સરદાર પટેલની પ્રતિમાને ફુલહાર નહીં કરવા તાળાબંધી કરી વિરોધ કર્યો હતો. મહિલાઓએ થાળી દાંડી પીટી વિરોધ કર્યો હતો. આ વિરોધ દ્વારા તેમણે સરકાર પાટીદારોની અનામત પ્રશ્ને ઝડપી વિચારણા કરી યોગ્ય ન્યાય નહીં આપે તો પાટીદારોનું આંદોલન ઉગ્ર બનશે તેવો સંદેશો આપ્યો હતો.

જો કે આ રેલી આગળ વધતા તેનું ઠેરઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું. ભદામ ગામે યુવા ચેતના રેલી સરદારની પ્રતિમાને ફુલહાર કરવા આવવાના હોવાથી પાટીદારોનું ગામ હોવાથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ભદામ તથા રાજપીપળા પોલીસ કુમક ખડકી દેવાઈ ગઈ હતી. ડીવાયએસપી મનોહરસિંહ જાડેજાની આગેવાનીમાં ભદામ ગામ અને રાજપીપળા પોલીસ છાવણીમાં ફેરવાયું હતું.

નર્મદા પોલીસે ચાંપતો લોખંડી બંદોબસ્ત ગોઠવી દીધો હતો. ચિત્રાવાડીથી રેલી કાઢવામાં આવી હતી. જો કે યુવા ચેતના રેલીનું આંબેડકર ચોક, દલિત સમાજ દ્વારા લીમડા ચોક ખાતે, માછી સમાજ દ્વારા, સ્વ . રત્નસિંહ મહિડા ચોક ખાતે ક્ષત્રિય સમાજ દ્વારા પ્રદિપસિંહ વાઘેલાનું તથા ચેતના રેલીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

You might also like