પાટીદારોના પ્રશ્નોનો ઉકેલ ટૂંક સમયમાં આવી જશેઃ કુંડારિયા

અમદાવાદ : કેન્દ્રીય કૃષિ રાજ્ય પ્રધાન મોહન કુંડારિયાએ એક ખાસ મુલાકાતમાં જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી દેશના ખેડૂતો પ્રત્યે સંવેદનશીલ છે અને ખેડૂતોની દરેક સમસ્યા ઉપર ગંભીર વિચાર કરી રહ્યા છે. વી ટીવી ન્યૂઝ ચેનલના  ‘ઓફ ધ રેકર્ડ’ કાર્યક્રમમાં રાજકોટના સાંસદ અને કેન્દ્ર સરકારના કૃષિ રાજ્ય પ્રધાન મોહન કુંડારિયાએ પાટીદાર અનામત આંદોલન, દેશના ખેડૂતોને પડતી મુશ્કેલીઓ, આ મુશ્કેલીઓ માટે સરકાર દ્વારા લેવાતાં પગલાંઓ અને બીટી કોટનની રોયલ્ટી અંગે પેટછૂટી વાત કરી હતી.

સમગ્ર ગુજરાત અનામત આંદોલનને કારણે અશાંત બન્યું છે ત્યારે મોહન કુંડારિયાએ જણાવ્યું હતું કે ગુજરાતની આનંદીબહેનની સરકાર આ સમસ્યાનું નિરાકરણ લાવવા સખત મહેનત કરી રહી છે. ટૂંક સમયમાં પાટીદારોના પ્રશ્નોનો ઉકેલ આવી જશે તેવી આશા તેમણે વ્યક્ત કરી હતી. જૂનાગઢ અને ભાવનગર વિસ્તારના ખેડૂતો મોન્સાન્ટો કંપનીની બીજી-ટુ ટેકનોલોજી નિષ્ફળ ગઇ હોવાનો આરોપ લગાવી રહ્યા છે અને આ વિસ્તારોમાંથી કપાસના પાકમાં ગુલાબી ઇયળ નીકળવાના ગંભીર પ્રશ્નો સર્જાઇ રહ્યા છે. મોહન કુંડારિયાએ આ અંગે કહ્યું હતું કે અમને ખેડૂતોની ગંભીર ફરિયાદો મળી છે.

અમે તેની તપાસ કરાવીશું અને જો મોન્સાન્ટો કંપની જવાબદાર હશે તો તેની સામે પગલાં પણ લઇશું. તેમણે બીટી કોટન અંગે વિસ્તૃત ચર્ચા કરીને ખેડૂતોની રોયલ્ટી અંગે પણ વાત કરી હતી. માત્ર ૮ ધોરણ સુધી અભ્યાસ હોવા છતાં પણ સફળ રાજકીય કારકિર્દી ધરાવતા મોહન કુંડારિયાએ કહ્યું હતું કે, નરેન્દ્રભાઇ વડા પ્રધાન બન્યા ત્યારે મને કેન્દ્રમાં પ્રધાન બનાવશે તેવી આશા પણ નહોતી. તે વડા પ્રધાને મારી ક્ષમતામાં વિશ્વાસ મૂકીને મને મોટી જવાબદારી સોંપી છે.

વડા પ્રધાન મોદી હંમેશાં ખેડૂતોના હિતની ચિંતા કરતા હોય છે અને તેઓ સ્વયં રસ લઇને ખેડૂતોની મુશ્કેલીઓનો હલ કેવી રીતે લાવવો તે અંગે માર્ગદર્શન પણ આપે છે. મોહન કુંડારિયાએ જણાવ્યું હતું કે, રાજકીય જીવન સફળ બનાવવા માટે કૌટુંબિક જીવનનો ભોગ આપવો પડે છે. મને મારાં પરિવારજનો તરફથી આ માટે પૂરો સહકાર મળ્યો છે.  રાજકીય વિશ્લેષક સુધીર રાવલે 

વી ટીવી ન્યૂઝ ચેનલના ‘ઓફ ધ રેકર્ડ’ કાર્યક્રમમાં મોહન કુંડારિયાનો આ ખાસ ઇન્ટરવ્યૂ લીધો છે.  આ ઇન્ટરવ્યૂનું પ્રસારણ આજે રાત્રે ૯.૩૦ કલાકે અને આવતી કાલે રવિવારે બપોરે ૧૨.૩૦ કલાકે વી ટીવી ન્યૂઝ ચેનલ પર થશે. 

You might also like