પાક.માં મદરેસાઓના ૨૦૦થી  વધુ બેંક ખાતા સ્થગિત કરાયા

ઈસ્લામાબાદ : આતંકીઓ અને તેમને નાણાં આપનારા પૂરા પાડનારા વચ્ચેની સાઠગાંઠ તોડવાના એક પ્રયાસરૂપે પાકિસ્તાને નોંધાયા વિનાના મદરેસાઓના ૨૦૦થી વધુ બેંકખાતા સ્થગિત કરી દીધા હતા.  આતંકવાદીઓ, તેમને નાણાં આપનારાઓ અને સગવડો પૂરી પાડનારા લોકોના સફાયો કરવા માટે આ વર્ષની શરૂઆતમાં તૈયાર કરવામાં આવેલા નેશનલ એક્શન પ્લાન (એનએપી)ના ભાગરૂપે આ કાર્યવાહી કરવામાં આવી છે. પેશાવર સ્કૂલ પર થયેલા  હુમલાના પગલે આ પ્લાન કરાયો હતો.

હુમલામાં મોટા ભાગના બાળકો સહિત ૧૫૦થી વધુના મોત થયા હતા.સ્ટેટ બેંક ઓફ પાકિસ્તાન(એસબીપી)ની સૂચના પર કોમર્શિયલ બેંકોએ ગયા અઠવાડિયે નોંધાયા વિનાના મદરેસાઓના ૨૦૦થી વધુ બેંકખાતા સ્થગિત કરી દીધા હતા. તમામ બેંકોએ ધાર્મિક બાબતોના મંત્રાલય દ્વારા દાખલ કરવામાં આવેલી નવી વ્યવસ્થા હેઠળ મદરેસાઓ તેમની નોંધણી ન કરાવે ત્યાં સુધી મદરેસાના નવા ખાતા ખોલવાનું પણ બંધ કરી દીધું છે. 

ગૃહ મંત્રાલયના એક સિનિયર અધિકારીને એવું કહેતા ટાંકવામાં આવ્યા હતા કે મદરેસાઓએ તેમને નાણાં ક્યાંથી મળે છે તે જણાવવાનો અથવા નવી વ્યવસ્થા હેઠળ નોંધણી કરાવવાનો ઈનકાર કરી દીધો છે. તેને લીધે નવી નીતિ હેઠળ તેમના ખાતાની દેખરેખ રાખવાનું અમારું કામ મુશ્કેલ બની ગયું છે. આ દેખરેખનું કામ જ નેશનલ એક્શન પ્લાનનો એક મહત્વનો ભાગ છે.

 

તેમણે કહ્યું કે આ પ્લાન હેઠળ દેશભરમાં ૨૧૧ જેટલાં શંકાસ્પદ બેંક ખાતા સ્થગિત કરી દેવાયા છે. તેમાંથી મોટાભાગના મદરેસાઓની માલિકીના છે. આ ખાતાઓમાં પચાસ લાખ રૂપિયા પડેલા છે. વધુમાં વિદેશથી નાણાં મેળવાતા હોવાનું મનાતા ૩૨ જેટલા નોંધણી વિનાના મદરેસાઓને ગૃહ મંત્રાલયે સીલ મારી દીધા છે.  

You might also like