પાકિસ્તાન ભારત પર ભડક્યું: આપી દીધી અણુયુદ્ધની ધમકી 

ઈસ્લામાબાદઃ ભારત અને પાકિસ્તાનના નેશનલ સિકયોરિટી એડવાઇઝર્સ (એનએસએ)ની બેઠક રદ થવાના કારણે ભારત અને પાકિસ્તાનના સંબંધો વધુ તંગ બન્યા છે. પાકિસ્તાનના એનએસએ સરતાજ અઝીઝે ભારતને ધમકી આપી છે. તેમણે જણાવ્યું છે કે મોદી સરકાર જાણે રિજનલ સુપર પાવર હોય એવી રીતે વર્તી રહી છે. અમે પણ અણુબોમ્બ ધરાવતું રાષ્ટ્ર છીએ. અમારી પાસે અણુબોમ્બ છે અને અમે અમારી જાતનું રક્ષણ કઇ રીતે કરવું તે સારી રીતે જાણીએ છીએ. આ રીતે ભારત પર ભડકેલા પાકિસ્તાને ભારતને અણુયુદ્ધની ધમકી આપી છે. 

પાકિસ્તાની દૈનિક ડોનના અહેવાલ અનુસાર અઝીઝે જણાવ્યું છે કે પાકિસ્તાનમાં ત્રાસવાદને ભડકાવવા માટે ભારતની ગુપ્તચર એજન્સી રોનો હાથ હોવાના અમારી પાસે પુરાવા છે.  અઝીઝે જણાવ્યું હતું કે પાકિસ્તાનના ત્રાસવાદમાં ભારતની સંડોવણીના અમારી પાસે પૂરતા પુરાવા છે. ભારત માત્ર પાકિસ્તાન વિરુદ્ધ અપપ્રચાર કરી રહ્યું છે. અમને પુરાવા આપવાને બદલે ભારતની કામગીરી માત્ર પાકિસ્તાન વિરુદ્ધ ખોટો પ્રચાર કરવાની છે.

અઝીઝે વધુમાં જણાવ્યું હતું કે જો ભારત માટે કાશ્મીર કોઇ મુદ્દો ન હોય તો ભારતે ત્યાં લશ્કરના સાત લાખ જવાનો શા માટે તહેનાત કર્યા છે. તેમણે જણાવ્યું હતું કે ભારતે કાશ્મીરમાં સત્વરે રેફરેન્ડમ યોજવો જોઇએ. લોકોને જ નિર્ણય કરવા દો કે તેઓ પાકિસ્તાનમાં રહેવા માગે છે કે પાકિસ્તાનમાં. ભારતની કોઇ પેંતરાબાજી અમારી સામે ચાલશે નહીં.

અન્ડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહીમ પાકિસ્તાનમાં હોવાના આક્ષેપોને અઝીઝે નકારી કાઢયા છે. તેમણે જણાવ્યું હતું કે ભારતે અત્યાર સુધી અમને કોઇ જ પુરાવા આપ્યા નથી.

You might also like