પાકિસ્તાની સિરિયલોએ જોશ વધાર્યોઃ સારા લોરેન

પાકિસ્તાનની સૌથી સુંદર અભિનેત્રીઓમાંની એક સારા લોરેને બોલિવૂડમાં પોતાની કરિયરની શરૂઅાત પૂજા ભટ્ટની ફિલ્મ ‘કઝરારે’થી કરી હતી, પરંતુ અા ફિલ્મ રિલીઝ ન થઈ શકી. અાવામાં તેની પહેલી ફિલ્મ મહેશ ભટ્ટની ‘મર્ડર-૩’ બની. એક્ટિંગ ઉપરાંત મોડલિંગની દુનિયામાં પણ સારું નામ મેળવનાર સારાની ત્રીજી ફિલ્મ ‘બરખા’ બોક્સ ઓફિસ પર ખાસ ન ચાલી, પરંતુ તેના હોંસલાઓમાં કોઈ કમી અાવી નથી. 

પાકિસ્તાની અભિનેત્રીને બોલિવૂડમાં કામ કેવી રીતે મળ્યું તે અંગે જણાવતાં સારા કહે છે કે હું પાકિસ્તાની છું, પરંતુ મારા પિતા ભારતીય છે. મારો જન્મ અને અભ્યાસ દુબઈમાં થયો. મોડલ તરીકે મારી કરિયર મેં પાકિસ્તાનથી શરૂ કરી, ત્યારબાદ હું એક્ટિંગની દુનિયામાં ગઈ અને મેં ટીવીમાંથી લગભગ એક ડઝન જેટલી સિરિયલો કરી. પાકિસ્તાનના બેસ્ટ એક્ટર જાવેદ શેખ દ્વારા પૂજા ભટ્ટ સાથે મારી મુલાકાત થઈ તો પૂજાએ મને ‘કઝરારે’ ફિલ્મમાં લીડ રોલ કરવાની ઓફર કરી. ત્યારબાદ હું ઈન્ડિયા અાવી, પછી રણદીપ હુડાની અોપોઝિટ મહેશ ભટ્ટની ફિલ્મ ‘મર્ડર-૩’માં મેં મુખ્ય ભૂમિકા ભજવી. ત્યારબાદ ડિરેક્ટર સાદાબના ડિરેક્શનમાં બનેલી ત્રીજી ફિલ્મ ‘બરખા’ રિલીઝ થઈ, જ્યારે હજુ હું થોડી ફિલ્મો કરી રહી છું. 

બોલિવૂડમાં સારાની શરૂઅાત ‘કઝરારે’થી ભલે થઈ હોય, પરંતુ પાકિસ્તાનમાં તેની પહેલી સિરિયલ ‘રાબિયા ઝિંદા રહેગી’ હતી, તેમાં તેનો લીડ રોલ હતો. ત્યારબાદ તેણે કાજલ, નૂરી, શહેજાદી જેવી એક ડઝનથી વધુ સિરિયલો કરી. સારા કહે છે કે મને અાટલી ઓછી ઉંંમરમાં ઘણી દમદાર ભૂમિકાઓ મળી. અા ભૂમિકાઓએ અભિનય પ્રત્યેનો મારો જોશ વધાર્યો. ત્યારબાદ મને લાગ્યું કે મારે ઈન્ડિયા જઈને ફિલ્મ કરવી જોઈએ. 

 

You might also like