પાકિસ્તાની એરફોર્સ બેઝ ઉપર હુમલોઃ ૩૦નાં મોત

પેશાવર : પાકિસ્તાનમાં આ વર્ષે સેનાને ટાર્ગેટ બનાવીને કરવામાં આવેલા હજુ સુધીના સૌથી ભીષણ હુમલાના પરિણામ સ્વરૂપે પાકિસ્તાનમાં ભારે અંધાધુંધી ફેલાઈ ગઈ છે. પાકિસ્તાનના આ હિંસાગ્રસ્ત શહેરમાં ભારે હથિયારો સાથે સજ્જ તાલિબાની ત્રાસવાદીઓએ આજે હવાઈદળના બેઝની અંદર હુમલો કર્યો હતો. સાથે-સાથે તેની અંદર બનેલી એક મસ્જિદમાં પણ હુમલો કર્યો હતો. આ ભીષણ હુમલામાં ઓછામાં ઓછા ૧૭ લોકોના મોત થયા હતા. અને અન્ય ૩૦ ઘવાયા હતાં.

જેમાં પાક. લશ્કરના જવાનોનો સમાવેશ થતો હતો. બીજીબાજુ સુરક્ષાદળોએ જવાબી કાર્યવાહી કરીને ૧૩ ત્રાસવાદીઓને પણ મોતને ઘાટ ઉતારી દીધા હતા. દેશના કોઈપણ લશ્કરી સ્થળ પર કરવામાં આવેલા સૌથી મોટા હુમલા પૈકીના એકમાં  વિસ્ફોટકથી ભરેલા જેકેટ પહેરીને હાથમાં ગ્રેનેડ, મોર્ટાર અને એકે-૪૭ રાઈફલ સાથે સજ્જ ત્રાસવાદીઓએ પહેલા સુરક્ષા ચોકીઓ ઉપર હુમલો કર્યો હતો. ત્યારબાદ આ ત્રાસવાદીઓએ ખબર પખ્તુનખ્વાના પાટનગર પેશાવરની બહાર હુમલો કરી દીધો હતો.

પેશાવરની બહાર આવેલા વિસ્તારમાં બડાબેર એરફોર્સ બેઈઝમાં ત્રાસવાદીઓ ઘૂસી ગયા હતા. સેનાના પ્રવક્તા મેજર જનરલ આસીમ બાજવાએ ટ્વીટર ઉપર માહિતી આપતા કહ્યું હતું કે, સુરક્ષાદળોએ ૨૩ ત્રાસવાદીઓને મોતને ઘાટ ઉતારી દીધા  છે. બાજવાએ કહ્યું હતું કે, એરફોર્સ શિબિરની અંદર એક મસ્જિદની અંદર ૧૬ લોકો નમાજ અદા કરી રહ્યા હતા ત્યારે આ હુમલો કરવામાં આવ્યો હતો. તેમણે કહ્યું હતું કે, વણ ઓળખાયેલ એક મૃતદેહ પણ મળી આવ્યો છે.

બાજવાએ કહ્યું હતું કે, ત્રાસવાદીઓ બે ગ્રૂપમાં વિભાજીત થયા હતા અને બે જુદા-જુદા ગ્રુપમાં શિબિરમાં ઘૂસી ગયા હતા. ત્યારબાદ સુરક્ષાદળો સાથે તેમની ભીષણ અથડામણ થઈ હતી. આ હુમલામાં ૮ સૈનિકો અને બે વરિષ્ઠ અધિકારીઓ સહિત ૨૨ લોકો ઘાયલ થયા હતા. ઘાયલ થયેલા જવાનો અને અધિકારીઓને પેશાવરની લશ્કરી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ઘાયલોને લેડી રિડીંગ હોસ્પિટલમાં દાખલ  કરવામાં આવ્યા હતા. તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન દ્વારા આ હુમલાની જવાબદારી સ્વિકારવામાં આવી છે.

ટીટીપીના પ્રવક્તા મોહમ્મદ ખુરાસાનીએ માહિતી આપતા કહ્યું છે કે, અમારી આત્મઘાતી ટુકડીએ આ હુમલો કર્યો હતો. પાકિસ્તાનમાં તાજેતરના સમયના સૌથી મોટા હુમલા તરીકે આને ગણવામાં આવે છે. ત્રાસવાદીઓ કેમ્પમાં બે જગ્યાએ એક સાથે પહોંચ્યા હતા. બાજવાનંુ કહેવું છે કે, સુરક્ષાદળોએ તરત જ મોરચા સંભાળીને સફળ ઓપરેશન હાથ ધર્યું હતું અને આતંકીઓને મોતને ઘાટ ઉતારી દીધા હતા.

હાલના સમયના સૌથી મોટા હુમલા તરીકે આને જોવામાં આવે છે. સાક્ષીઓએ કહ્યું હતું કે, આતંકવાદીઓ બ્લેક મિલિશિયા યુનિફોર્મમાં આવ્યા હતા. તેમણે વ્હાઈટ સૂઝ પહેર્યા હતા. પાકિસ્તાનના વડાપ્રધાન નવાજ શરીફે હુમલાને વખોડી કાઢીને કહ્યું છે કે, આતંકવાદીઓને દેશમાંથી નાબૂદ કરવામાં આવશે.

You might also like