પાકિસ્તાનમાં લઘુમતી બિન-મુસ્લિમો કેટલા સલામત?

ભારતની આઝાદીની લડત નિર્ણાયક તબક્કામાં પહોંચી રહી હતી ત્યારે કેટલાંક પરિબળો ભારતમાં હિન્દુ-મુસ્લિમ વિખવાદને પણ વકરાવી રહ્યા હતા. એક યા બીજી રીતે દરેક પક્ષ તેમાં ઘી હોમતો જતો હતો. પરિણામે જ્યારે ભારતને આઝાદી મળી ત્યારે ‘હિન્દુ બહુમતી ધરાવતાં ભારતમાં સલામતી નથી જ નથી…’ની રટ લગાવનારા મુસ્લિમો માટે વસતિના આધારે દેશના ભાગલા થયા. પંજાબનો અડધો ભાગ અને સિંધ, બલૂચિસ્તાન તથા વઝીરિસ્તાનને ભેળવીને પશ્ચિમ પાકિસ્તાન અને બંગાળના બે ભાગ કરીને પૂર્વ પાકિસ્તાનની રચના કરવામાં આવી.

નકશામાં લીટી દોરીને બનાવાયેલા નવા મુસ્લિમ દેશમાં વસી રહેલાં હિન્દુ, ખ્રિસ્તી, બૌદ્ધ, પારસી વગેરેને ભારતમાં આવી જવાનો અને ભારતની ભૂમિ પર રહેનારા મુસ્લિમોને પાકિસ્તાન રહેવા જવાનો વિક્લ્પ આપવામાં આવ્યો. એ વખતે ૪૪ લાખ હિન્દુ-શીખ વગેરે પાકિસ્તાનથી હિજરત કરી ભારત આવી ગયાં હતાં અને ૪૧ લાખ મુસ્લિમો ભારતથી હિજરત કરી પાકિસ્તાન જતાં રહ્યાં હતાં. હિજરત કરવી ફરજિયાત ન હોવાથી લાખ્ખો હિન્દુ, શીખ, ખ્રિસ્તી વગેરે પાકિસ્તાનમાં જ રહ્યાં અને લાખ્ખો મુસ્લિમો ભારતમાં જ રહ્યાં.

ભારતમાં મુસ્લિમો લઘુમતી સમુદાય બન્યા અને પાકિસ્તાનમાં હિન્દુ નાગરિકો લઘુમતી સમુદાય બન્યા. પાકિસ્તાનમાં મોટા ભાગની હિન્દુ વસતિ સિંધ પ્રાંતમાં છે અને કરાચી તેનું મુખ્ય કેન્દ્ર છે. કરાચીમાં ‘હિન્દુ જિમખાના’ દ્વારા પાકિસ્તાની હિન્દુઓને વિકાસ કરી મુખ્ય પ્રવાહમાં ભળવા મદદ કરવામાં આવે છે. પાકિસ્તાનમાં સ્થાનિક કક્ષાથી રાષ્ટ્રીય સંસદ સુધી દરેક સ્તરે અનામત બેઠકો ફાળવવામાં આવી છે. ‘પાકિસ્તાન હિન્દુ પંચાયત’ અને ‘પાકિસ્તાની હિન્દુ વેલ્ફેર એસોસિયેશન’ જેવાં સંગઠનો હિન્દુ સમાજનું સામાજિક, આર્થિક, ધાર્મિક અને રાજકીય મુદ્દાઓ પર પ્રતિનિધિત્વ કરે છે. હઝારામાં ‘શિવ મંદિર સોસાયટી’ મંદિર અને સમાજનું રક્ષણ કરે છે. પાકિસ્તાનમાં લઘુમતી પંચ છે અને સરકારમાં લઘુમતી ખાતું પણ છે.

કરાચી હિન્દુઓ માટે સૌથી સલામતકરાચી શહેરનું સેક્યુલર માળખું અને માનસસિકતા હિન્દુ લઘુમતીને દરેક સ્તરે તક આપતું રહે છે. રાષ્ટ્રીય ક્રિકેટર દાનિશ કનેરિયા, ટોચના ફેશન ડિઝાઇનર દીપક પરવાની અને સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ રાણા ભગવાનદાસ જેવાં ઉદાહરણો સાબિત કરે છે કે, પાકિસ્તાનમાં હિન્દુ સમાજને વિકાસની તક જરૂર મળે છે. જોકે  ૧૯૮૦ પછી સમગ્ર પાકિસ્તાનની જેમ સિંધમાં પણ ઈસ્લામવાદ જોર પકડી રહ્યો છે. હિન્દુ નાગરિક માટે ‘નાપાક-અપવિત્ર’ જેવા સંબોધન જોર પકડતાં જાય છે. તાલિબાન અને તે પછી વિકસેલી આતંકી સંસ્થાઓના કારણે બિન મુસ્લિમ નાગરિકો માટે દિવસે દિવસે પરિસ્થિતિ વણસી રહી હોવાના સંકેત મળે છે.

૨૦૧૫ની શરૂઆતથી હિંસક હુમલાઓની ઘટનાઓ વકરી રહી છે. લાહોરના યોહાનાબાદ વિસ્તારના બે ચર્ચ પર હુમલા, અહમદી સંપ્રદાયના મુસ્લિમ કર્મચારીની કરાચીમાં હત્યા, સિંધ પ્રાંતના શિકારપુરમાં આવેલી શિયા મસ્જિદ પર આત્મઘાતી હુમલા દ્વારા ૬૧ નમાજીઓની હત્યા એનો વરવો ચહેરો દર્શાવે છે. ૧૩ જૂન, ૨૦૧૫ના રોજ ઈસ્માઈલી સમુદાયનાં લોકોને લઈ જઈ રહેલી બસ કરાચી શહેરના મલીર વિસ્તારના સફૂરા ચોક પાસે ઊભી રહી તો મોટરસાઇકલ પર સવાર પોલીસ ગણવેશધારીઓએ બસ ઘેરી લીધી. બસમાં ચઢ્યા અને ૪૩ મુસાફરોને પોઈન્ટ બ્લેન્ક રેન્જથી છાતી અથવા માથામાં ગોળી મારી હત્યા કરી દીધી.

છાશવારે બનતી આવી ઘટનાઓ પાકિસ્તાનમાં વસતા તમામ લઘુમતી સમુદાયોને ભયભીત કરી મૂકે છે. એમનો દેશ છોડવાનો ઇરાદો વધુ મક્કમ બનાવે છે. પાકિસ્તાનમાં વકરી રહેલા જ્ઞાતિવાદ અને ધર્માંધતા મોટા ભાગે સરકાર અને લશ્કરી દળો દ્વારા, પોતાના સ્થાનિક અને વિદેશી હેતુ સિદ્ધ કરવા માટે ઉપલા સ્તરેથી પ્રસરાવવામાં આવતી હોવાનું મનાય છે.

હિંસાના તાંડવમાં મેચ-ફિક્સિંગસાઉથ એશિયા ચેનલના ઉસ્માન અહમદ કહે છે, ‘તાલિબાની ત્રાસવાદીઓ ઉપરાંત નામ-ઠામ અને ઓળખ વિનાનાં ત્રાસવાદી સંગઠનો પણ તંત્રના આશીર્વાદથી હિંસા વકરાવી રહ્યાં છે. ઘણા કિસ્સાઓમાં વિદેશી સત્તાઓ પણ આવાં તત્ત્વો દ્વારા પાકિસ્તાનમાં ધાર્મિક ઉન્માદ ફેલાવવાનો પોતાનો એજન્ડા પાર પાડતી રહે છે. તાજેતરમાં મીડિયામાં ખૂબ ગાજ્યું કે, આવાં હિંસક કૃત્યોમાં હવે લેટે સ્ટ ત્રાસવાદી જૂથ ઇસ્લામિક સ્ટેટ પણ જોડાયું છે. દેશની શાંતિ અને સલામતી માટે વધુ એક દુશ્મન ઊભો થઈ ગયો છે. આતંકવાદી સંગઠન કોઈ પણ હોય, મહત્ત્વની વાત એ છે કે, પાકિસ્તાનમાં હિંસાનો નગ્ન નાચ ન થવો જોઈએ.’

પાકિસ્તાનમાં એક વર્ગ સતત એવી બુમરાણ કરતો રહે છે કે, આ બધી અસ્થિરતા પાછળ અમેરિકા અને ભારત જેવી વિદેશી સત્તાઓનો દોરીસંચાર છે. આવી બુમરાણના કારણે પાકિસ્તાનમાં ભારત-વિરોધી અને અમેરિકા-વિરોધી લાગણીને જોર મળે છે જે આખરે પાકિસ્તાનના હિન્દુ અને ક્રિશ્ચિયન નાગરિકો પ્રત્યે આક્રોશ જન્માવે છે. પરિણામે જ્યારે અરાજકતા સર્જાય ત્યારે સામાન્ય નાગરિકોનાં ટોળાં પણ હિંસા અને ભાંગફોડ કરવા લાગે છે.

નાગરિકોના આક્રોશનું મૂળઆઝાદીના છ દાયકા પછી પણ પાકિસ્તાન વિકાસના માર્ગે પ્રગતિ કરી શક્યું નથી, બેરોજગારી છે, પછાતપણું છે અને ભયાનક ગરીબી પ્રવર્તે છે તેથી ત્યાંના નાગરિકો આમ પણ ધૂંધવાટ અનુભવે છે. ચાલાક રાજકારણીઓ બધી નિષ્ફળતાના દોષનો ટોપલો વિદેશી દખલ અને અસ્થિરતા ઊભી કરનાર તત્ત્વો પર ઢોળે છે. સામાન્ય નાગરિક વિદેશી સત્તાને તો શું કરી શકે? એટલે એ લોકો સરકાર, સરકારી સંપત્તિ અને આખરે બિન-મુસ્લિમ પાકિસ્તાની નાગરિકો પર પોતાનો આક્રોશ ઠાલવે છે. તેઓ હિંસાનો ભોગ ન બને તો પણ તેઓ સરકારી નોકરીઓ અને જાહેર જીવનમાં હાંસિયા પર ધકેલાતા જાય છે. પાકિસ્તાને ‘ઈશ-નિંદા(અલ્લાહની નિંદા)’નો કાયદો બનાવ્યો છે તેના કારણે પાકિસ્તાનના ખ્રિસ્તી, શીખ અને હિન્દુ નાગરિકોનું નાગરિક અને સામાજિક જીવન ખૂબ નુકસાન પામી રહ્યું છે. મોટા ભાગના મુસ્લિમ નાગરિકોના મનમાં આ કાયદાનો અર્થ એવો બેસી ગયો છે કે, જે લોકો મુસ્લિમ નથી, અલ્લાહમાં માનતા નથી તેઓ ‘ઈશ-નિંદા’ કરે છે.

ઈશ-નિંદાના કાયદાએ દાટ વાળ્યોહિંસાના અનેક બનાવોનું પૃથક્કરણ કરવામાં આવે તો જાણવા મળે છે કે, અલ્લાહની નિંદા અથવા વિદેશી સત્તાના એજન્ટ હોવાનો આરોપ જેમની ઉપર લગાવાયો હોય એવાં લોકો ઉપર તક મળતાં ઉગ્ર સ્વભાવના પાકિસ્તાની નાગરિકોનાં ટોળાં પણ હુમલો કરે છે. આવાં ટોળાં મનફાવે એવા અર્થઘટન કરી બિન-મુસ્લિમો પર હુમલા કરતા થયા છે. 

જોકે પાકિસ્તાનમાં સૌથી વધુ ધિક્કાર અહમદી સંપ્રદાયના લોકો વિરુદ્ધ છે. તે એટલી હદે કે, પાકિસ્તાની પાસપોર્ટ કે આઈડી કાર્ડ મેળવવા માટે દેશના અહમદી નાગરિકો વિરુદ્ધ એક ડેક્લેરેશન પર સહી કરવી પડે છે. આવા અધિકૃત નિવેદન પર સહી કરવાનો વિરોધ ન કરનાર સહિષ્ણુ મુસ્લિમો પણ આડકતરી રીતે કટ્ટરવાદને સહાય કરી બેસે છે. કરુણતા એ છે કે, આવાં પગલાંઓથી ધીમે ધીમે બહુમતી પાકિસ્તાની સમાજ દબાયેલો, કચડાયેલો વર્ગ બની રહ્યો છે. એ લોકો નૈતિક રીતે શક્તિશાળી તત્ત્વો દ્વારા કચડાઈ રહ્યા છે, ડગલે ને પગલે પીછેહઠ કરી રહ્યા છે.

આ સ્થિતિ ઊભી કરવામાં અનેક તત્ત્વોએ ભાગ ભજવ્યો છે, અને પાકિસ્તાનના કમનસીબે ત્યાં આવાં તત્ત્વોને જેર કરી શકે એવી સ્થિર મજબૂત સરકાર કદી ટકી શકી નથી. લશ્કરી શાસનકર્તાને નાગરિક અધિકારો મજબૂત બનાવવામાં સ્વાભાવિક જ રસ નથી હોતો. જો પાકિસ્તાની મુસ્લિમ નાગરિકોના જ આવા હાલ હોય તો વિદેશી નાગરિકો, ખાસ કરીને હિન્દુઓની હાલત કેવી હશે તે સહેજે કલ્પી શકાય.

ઈમરાન ખાને હિન્દુ અત્યાચારનો મુદ્દો છેડેલોપાકિસ્તાની ક્રિક્રેટર અને પાકિસ્તાની વિપક્ષી રાજકીય પાર્ટી ‘તહેરિક એ ઇન્સાફ’ના નેતા ઈમરાન ખાને ઓક્ટોબર ર૦૧૪માં પાકિસ્તાની સંસદની બહાર એક વિરોધ પ્રદર્શન દરમિયાન હિન્દુઓ પર થતાં અત્યાચારનો મુદ્દો છેડ્યો હતો. અહેવાલો મુજબ ઈમરાન ખાને એવું બયાન આપ્યું હતું કે, ‘પાકિસ્તાનમાં હિન્દુઓની સતામણી કરવામાં આવતાં તેઓ દેશ છોડીને જઈ રહ્યા છે. જો અમારી પાર્ટી સત્તામાં આવશે તો દેશ છોડી જનારા હિન્દુઓની વાપસી કરાશે.’ ઈમરાન ખાને અલ્પસંખ્યકોને એવો ભરોસો પણ આપ્યો હતો કે, જો તેમની પાર્ટી સરકારમાં આવશે તો લઘુમતીઓ પર અત્યાચાર નહીં થાય અને ધર્મપરિવર્તન માટે પણ દબાણ નહીં કરવામાં આવે.

 

You might also like