પાકિસ્તાનમાં મોડી રાત્રે ૫.૧ની તીવ્રતાના ભૂકંપના આંચકા

ઇસ્લામબાદઃ પાકિસ્તાનના પાટનગર ઇસ્લામાબાદ સહિત અનેક વિસ્તારોમાં મોડી રાત્રે ભૂકંપના આંચકા અનુભવાતા લોકોમાં ગભરાટ વ્યાપી ગયો હતો. યુએસ જિયોલોજિકલ સર્વેના જણાવ્યા અનુુસાર ભૂકંપની તીવ્રતા રિકટર સ્કેલ પ.૧ માપવામાં આવી હતી.

આ ભૂકંપના આંચકા સ્થાનિક સમય અનુુસાર રાત્રે ૧.પ૯ કલાકે અનુભવાયા હતા. યુએસ જિયોલોજિકલ સર્વેના જણાવ્યા અનુુસાર ભૂકંપનું કેન્દ્ર પાકિસ્તાનના પાટનગર ઇસ્લામાબાદથી માત્ર ૧૬ કિ.મી. દૂર ઉત્તર પૂર્વમાં અને ર૬ કિ.મી.ની ઊંડાઇએ હતું.

ભૂકંપના આંચકા ઇસ્લામાબાદ, રાવલપિંડી, પેશાવર, અબોટાબાદ, પૂર્વીય પંજાબ પ્રાંત અને ખૈબર પખ્તુનખ્વામાં અનુભવાયા હતા. પાકિસ્તાન હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ભૂકંપના આંચકાના કારણે જાનમાલની કોઇ ખુવારી થઇ હોવાના અહેવાલ નથી.

મોડી રાત્રે ભૂકંપ આવતાં જ લોકો ઊંઘમાંથી સફાળા જાગી ગયા હતા અને ગભરાટમાં ઝડપથી પોતાના ઘરની બહાર નીકળીને રસ્તા પર આવી ગયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે આ અગાઉ ૮ ઓકટોબર, ર૦૦પના રોજ પાકિસ્તાનમાં આવેલા ૭.૬ની તીવ્રતાના ભૂકંપનમાં ૭૩,૦૦૦થી વધુ લોકો માર્યા ગયા હતા અને ૩પ લાખ લોકો બેઘર થયા હતા. ત્યાર બાદ ર૦૧૩માં આવેલા ૭.૭ની તીવ્રતાના ભૂકંપમાં ૩૭૦ લોકો માર્યા ગયા હતા અને એક લાખથી વધુ લોકો બેઘર થયા હતા.

You might also like