પાંચ વર્ષ બાદ ભજ્જી શ્રીલંકા વિરુદ્ધ મેદાનમાં ઊતરશે

ગાલેઃ ભારત અને શ્રીલંકા વિરુદ્ધ આવતી કાલ તા. ૧૨ ઓગસ્ટથી શરૂ થઈ રહેલી પહેલી ટેસ્ટમાં વર્તમાન ભારતીય ટીમનાે સૌથી અનુભવી ખેલાડી હરભજનસિંહ લગભગ પાંચ વર્ષ બાદ શ્રીલંકા વિરુદ્ધ ટેસ્ટ મેચમાં બોલિંગ કરતાે નજરે પડશે. જોકે શ્રીલંકા વિરુદ્ધ પોતાની અંતિમ ટેસ્ટ શ્રેણીમાં ભજ્જીનું પ્રદર્શન સાધારણ કક્ષાનું રહ્યું હતું, પરંતુ આ શ્રેણીમાં ભજ્જી પાસેથી ટીમને ફરી એક વાર શાનદાર પ્રદર્શનની આશા છે.ટીમ ઇન્ડિયાના સ્પિન બોલર ભજ્જીએ શ્રીલંકા વિરુદ્ધ પોતાની અંતિમ ટેસ્ટ શ્રેણી વર્ષ ૨૦૧૦માં રમી હતી. બે ટેસ્ટ મેચની એ શ્રેણીમાં ભજ્જીએ શ્રીલંકા વિરુદ્ધ બહુ જ ખરાબ પ્રદર્શન કર્યું હતું. શ્રીલંકામાં રમાયેલી એ શ્રેણીમાં ભજ્જી ફક્ત બે જ વિકેટ ઝડપી શક્યો હતો.આ વર્ષે ભારતીય ટેસ્ટ ટીમમાં વાપસી કર્યા બાદ ભજ્જી પર ફરી એક વાર ટેસ્ટમાં સારી બોલિંગ કરવાનું દબાણ છે, જોકે શ્રીલંકા વિરુદ્ધ ટેસ્ટ શ્રેણી પહેલાં તેણે બાંગ્લાદેશ વિરુદ્ધ એક મેચની શ્રેણી રમી હતી, જેમાં તેણે ત્રણ વિકેટ ઝડપી હતી. સ્પષ્ટ છે કે ભજ્જી શ્રીલંકા વિરુદ્ધ વધુમાં વધુ વિકેટ લઈને ફરી એક વાર ખુદને સાબિત કરવા ઇચ્છે છે. સાથે જ ટીમ ઇન્ડિયામાં પોતાનું સ્થાન પણ નિશ્ચિત કરવાની સંપૂર્ણ કોશિશ કરશે.

You might also like