પવાર અને જેટલી નક્કી કરશે BCCIનો નવો બોસ

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ)ના અધ્યક્ષ જગમોહન દાલમિયાના નિધન બાદ હવે નવા અધ્યક્ષની પસંદગી ભૂતપૂર્વ અધ્યક્ષ શરદ પવાર અને કેન્દ્રીય નાણાપ્રધાન તેમજ ડીડીસીએના ભૂતપૂર્વ અધ્યક્ષ અરુણ જેટલી પર નિર્ભર રહેશે. બીસીસીઆઇના એક અધિકારીએ જણાવ્યું કે વર્તમાન પરિસ્થિતિમાં વચગાળાના અધ્યક્ષની નિયુક્તિ કરી શકાય નહીં. એવા અહેવાલો વહેતા થયા હતા કે આઇપીએલ ચેરમેન અને ઉત્તર પ્રદેશ ક્રિકેટ એસોસિયેશનના સચિવ રાજીવ શુક્લા આ દોડમાં સૌથી આગળ છે. એવું પણ કહેવામાં આવી રહ્યું હતું કે પૂર્વ ક્ષેત્રમાંથી ઉપાધ્યક્ષ ગૌતમ રોય સૌથી સિનિયર છે અને તેમને વચગાળાના અધ્યક્ષ બનાવી શકાય. મધ્ય ક્ષેત્રમાંથી ઉપાધ્યક્ષ સી. કે. ખન્નાના નામની ચર્ચા પણ કરાઈ હતી, પરંતુ બોર્ડના વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે હાલમાં વચગાળાના અધ્યક્ષની પસંદગી થવાની નથી. બીસીસીઆઇએ એન. શ્રીનિવાસન બોર્ડ બેઠકમાં ભાગ લઈ શકે કે કેમ તે અંગે નિર્દેશ માગ્યો છે. આથી વાર્ષિક સામાન્ય સભાને પણ સ્થગિત કરી દેવામાં આવી છે.
ટૂંક સમયમાં જ બોર્ડ સચિવ અનુરાગ ઠાકુર આ અંગે બધા સભ્યોનાં સૂચન માગશે. ખાસ સામાન્ય સભા (એસજીએમ)ને લઈને કાયદાકીય સલાહ પણ લેવામાં આવશે. ગત બીસીસીઆઇના અધ્યક્ષપદની ગત ચૂંટણીની જેમ આ વખતે પણ નવા અધ્યક્ષ ચૂંટવામાં શરદ પવાર અને અરુણ જેટલી ભૂમિકા મહત્ત્વપૂર્ણ રહેશે. આ બંનેની મરજી વગર કંઈ થવાનું નથી. રાજીવ શુક્લા અને અનુરાગ ટૂંક સમયમાં આ બંને નેતા સાથે વાતચીત કરી શકે છે.પવાર અધ્યક્ષ બનેઃ આદિત્ય વર્માઆઇપીએલ સ્પોટ ફિક્સિંગ મામલામાં અરજીકર્તા અને બીસીસીઆઇના ભૂતપૂર્વ અધ્યક્ષ એન. શ્રીનિવાસનના કટ્ટર વિરોધી આદિત્ય વર્માએ કહ્યું કે, ”દાલમિયાના નિધન બાદ હવે શરદ પવારે બીસીસીઆઇનું સુકાન સંભાળી લેવું જોઈએ. હું તેમને અપીલ કરું છું કે તેઓ ફરી એક વાર મેદાનમાં ઊતરે અને બીસીસીઆઇમાં ફેલાયેલી ગંદકી સાફ કરે.”
You might also like