પરિવાર નાસ્તો કરવા ગયો ને તસ્કરોઅે હાથ ફેરો કર્યો

અમદાવાદ: ગઈ કાલે રવિવારની જાહેર રજા, ગૌરી વ્રત તેમજ ફ્રેન્ડશિપ ડેના લીધે પોલીસનું સતત પેટ્રોલિંગ અને પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં અાવ્યાં હતાં. છતાં મેમનગર વિસ્તારમાં અાવેલા પ્રેમજ્યોતિ ટાવરના છઠ્ઠા માળે અાવેલા ફ્લેટને તસ્કરોઅે નિશાન બનાવી રૂ. ૧.૮૭ લાખની મતાની ચોરી કરી હતી. સાંજના સમયે પરિવાર બહાર નાસ્તો કરવા ગયો હતો ત્યારે ચોરી થઈ હતી. વસ્ત્રાપુર પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ મેમનગર પૂર્વી ટાવર પાસે અાવેલા પ્રેમજ્યોતિ ટાવર ખાતે યશેષભાઈ કૃષ્ણકાંતભાઈ પટેલ પોતાના પરિવાર સાથે રહે છે. યશેષભાઈ જમીન મકાનના લે વેચ તેમજ શેરબજારનો વ્યવસાય કરે છે. ગઈ કાલે સાંજના સુમારે યશેષભાઈ અને તેમનો પરિવાર નાસ્તો કરવા બહાર ગયો હતો.

દરમિયાનમાં અજાણી વ્યક્તિઅે દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશ કરી સોનાની બંગડીઅો, કડું તેમજ વીંટી મળી કુલ રૂ. ૧.૮૭ લાખની મતાની ચોરી કરી ફરાર થઈ ગઇ હતી. રાત્રે ૧૦.૩૦ની અાસપાસ પરિવાર ઘરે પરત ફર્યો ત્યારે ચોરીની જાણ થતાં તેઅોઅે તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. વસ્ત્રાપુર પોલીસ ઘટના સ્થળે દોડી જઈ યશેષભાઈની ફરિયાદને અાધારે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

ઉલ્લેખનીય છે કે ગઈકાલે સાંજથી જ પોલીસને સ્ટેન્ડ ટુ કરી દેવામાં અાવી હતી તેમજ શહેરમાં સતત પેટ્રોલિંગના અાદેશ અાપવામાં અાવ્યા હતા છતા તસ્કરો સાંજના સમયે હાથ ફેરો કરી ફરાર થઈ ગયા હતા.

You might also like