પરિવારના ૭ સભ્યોની હત્યા કર્યા બાદ ખેડૂતની આત્મહત્યા

સુરત : વલસાડથી ૮૭ કિ.મી. દૂર આવેલા ધરમપુર તાલુકાના અંતરિયાળ ગામ નાની કોસવાડીના ઉપલા ફળિયા ખાતે ખેડૂતે કોઇ અગમ્ય કારણોસર ખેડૂતે પ્રથમ પોતાના પત્ની, પાંચ સંતાનો અને પોતાની એક વર્ષની દોહિત્રિને ધારદાર હથિયાર વડે હત્યા કરી પોતે પણ ફાંસો ખાઇ મોતને વ્હાલુ કરી લેતા સમગ્ર પથકમાં સનસનાટી મચી જવા પામી છે.ઘટનાના પગલે ગામ અને પંથકમા ભારેલો અગ્નિ જોવા મળી રહ્યો છે. ઘટનાના પગલે વરિષ્ઠ પોલીસ અધિકારીઓ, એફએસએલ અને ડોગ સ્કવોડ ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી.

સામુહિક હત્યાકાંડના પગલે તાલુકાના વિવિધ પક્ષના રાજકારણીઓ પણ મોટી સંખ્યામા પહોંચી ચૂકયા છે. ધરમપુરના ઇન્ચાર્જ મામલતદાર કીરણ પટેલ પણ ઘટના સ્થળે પહોંચ્યા છે. જિલ્લાના અંતરિયાળ કોસવાડી ગામના ઉપલા ફળિયામા પોતાના ૭ સંતાનો અને પોતાની મોટી દિકરીની દિકરી સાથે રહેતા ખેડૂત શ્રવણભાઇ માસુભાઇ કાનત (ઉ.વ.૩૫)એ શનિવારે મોડી રાત્રિએ કોઇક અગમ્ય કારણોસર પોતાની ૩૪ વર્ષીય પત્ની સહિત ૧૪થી ૧૭ વર્ષની વયના પાંચ બાળકોને ધારદાર હથિયાર વડે શરીરના વિવિધ ભાગોમાં આડેધડ ઘા મારી હત્યા કરી પોતે પણ તમામના મૃતેદેહ નજીક ઘરના મોભ પર દોરડા વડે ફાંસો ખાઇ લીધો હતો.

શ્રવણનુ ઘર ડુંગર ઉપર હોઇ ઘટનાની ખબર મોડેથી થતા સમગ્ર ગામ ડુંગર પર પહોંચ્યું હતું. જયાં ઘરમા ચારેબાજુ લોહીના ખાબોચિયા ભરાયા હતા.તમામ મૃતદેહોના ગળાના ભાગે સૌથી વધુ ઘા મરાયા હતા. દૃશ્યો જોનારને પણ કમકમાટી આવી જાય તે રીતે મૃતદેહો વેરવિખેર જોવા મળ્યા હતા, જેમાં માત્ર એક વર્ષની માસૂમ દોહિત્રીને ગળાના ભાગે હથિયાર વડે ગળુ કાપી હત્યા કરવામા આવી હતી.

હત્યાકાંડને અંજામ આપનાર શ્રવણ કાનતના મોટાભાઇ સોમાભાઇ કાનતે જણાવ્યું કે અત્યંત સૌમ્ય સ્વભાવના મારા ભાઇએ કઇ રીતે, કયા સંજોગોમા આટલું મોટું પગલું ભર્યું તે અમારા માટે પણ સમજ બહારની બાબત બની રહી છે. અમારા માટે હાલે સહન કરી ન શકાય તેવી પરિસ્થિતિ બની રહી છે.વલસાડ જિલ્લા પોલીસ સુપ્રિન્ટેન્ડેન્ટ પ્રેમવીરસિંહે ઘટનાની માહિતી આપતા જણાવ્યું હતું કે, આદિવાસી ખેડૂતે પહેલા પોતાના પાંચ બાળકો, એક દોહિત્રી અને પત્નીને માર્યા પછી જાતે આત્મહત્યા કરી હતી.

પોલીસ તપાસમાં મૃતદેહો પાસેથી હથિયાર મળી આવ્યા હતા. ખેડૂતે આર્થિક તંગીના કારણે અંતિમ પગલું ભર્યાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. જોકે સત્ય જાણવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(તસ્વીર પ્રતિકાત્મક)

You might also like