પતિને જામીન અપાવવા પત્નીએ ખોટું મેડિકલ સર્ટિફિકેટ બનાવ્યું

અમદાવાદઃ હત્યાના ગુનામાં જેલમાં બંધ પોતાના પતિને વચગાળાનાં જામીન અપાવવા પત્નીએ તેના સાથી સાથે મળી બનાવટી મેડિકલ સર્ટિફિકેટ બનાવી ગુજરાત હાઇકોર્ટમાં રજૂ કર્યું હતું. 

આ સર્ટિફિકેટ બનાવટી માલૂમ પડતાં ક્રાઇમબ્રાંચે આ અંગે સોલા પોલીસ સ્ટેશનમાં મહિલા સહિત બે શખસો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ વડોદરાનાં વારસિયા રોડ પર આવેલા જલારામ પાર્ક ખાતે રહેતા સુમનબેન ગંગવાણીનાં પતિ અનિલ ઉર્ફે એન્થોની મુલચંદ ગંગવાણી આણંદ ખાતેનાં હત્યાના ગુનામાં જેલમાં બંધ છે. 

વચગાળાનાં જામીન મેળવવા પોતાની પત્ની બીમાર હોવાનું કારણ આગળ ધરવા સુમનબેન ગંગવાણી અને હરીષભાઇ ઇશ્વરભાઇ ગંગવાણીએ ભેગા મળી મેડિકલ સારવાર અંગે આસિ. પ્રોફેસર ફોરેન્સિક મેડિસીન ડિપાર્ટમેન્ટ મેડિકલ કોલેજ એન્ડ એસ. એસ. જી. એચ. હોસ્પિટલ વડોદરાના તથા સરકારી હોસ્પિટલનાં ખોટા ગોળ સ્ટેમ્પ અને બીમારીનું ખોટું પ્રમાણપત્ર બનાવી અને ગુજરાત હાઇકોર્ટમાં રજૂ કર્યું હતું. હાઇકોર્ટ દ્વારા નીતિનિયમ મુજબ ચકાસણી માટે આ સર્ટિફિકેટ ક્રાઇમ બ્રાંચમાં મોકલવામાં આવ્યું હતું. 

પીઆઇ એસ. એલ. ચૌધરી દ્વારા ચકાસણી કરાતાં સર્ટિફિકેટ બનાવટી માલૂમ પડ્યું હતું. જેથી આ અંગે સોલા પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જે અંગે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

You might also like