પતિએ પાસપોર્ટ છીનવી લીધોઃ ઈરાનની ફૂટબોલ કેપ્ટન એશિયા કપમાંથી બહાર

તહેરાનઃ મળી રહેલા અહેવાલો અનુસાર ઈરાનની મહિલા ફૂટબોલ ટીમની કેપ્ટન નીલોફર અર્દલાન એશિયા કપમાં ભાગ નહીં લઈ શકે, કારણ કે ઘરેલુ ઝઘડા બાદ તેના પતિએ તેનો પાસપોર્ટ છીનવી લીધો છે. ઈરાનની એક વેબસાઇટના જણાવ્યા અનુસાર ૩૦ વર્ષની મિડફિલ્ડર નીલોફર હવે એશિયા કપમાં ભાગ નહીં લઈ શકે, કારણ કે તેનો પતિ નથી ઇચ્છતો કે તેની પત્ની વિદેશ પ્રવાસ કરે. ઈરાનના કાયદા અનુસાર પતિ પોતાની પત્નીને દેશની બહાર યાત્રા કરતી રોકી શકે છે. નીલોફરે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં એક સંદેશ લખ્યો છે, ”હું ઇચ્છું છું કે ઈરાનનો કાયદો બદલાય, જેના કારણે બધી મહિલાઓને તેમના પતિની મંજૂરી વિના પણ વિદેશ પ્રવાસ કરવાની મંજૂરી મળે. હું ફક્ત એક રાષ્ટ્રીય સૈનિક છું, જે દેશના ધ્વજને ઊંચો રાખવા માટે સંઘર્ષ કરે છે.” નીલોફર ઈરાનની મહિલા ફૂટબોલ ટીમની કેપ્ટન છે. મહિલા એશિયા કપ મલેશિયામાં યોજાનાર છે.
You might also like