પગપાળા અંબાજી જતાં નિવૃત્ત પ્રોફેસરનું કારની ટક્કરે મોત

અમદાવાદઃ શહેરમાં હિટ એન્ડ રનની ઘટનાઓ સતત વધી રહી છે. વહેલી સવારે ખુલ્લો રોડ જોઇ કારચાલક બેફામ સ્પીડે કાર ચલાવતા હોય છે, જેના કારણે લોકો અકસ્માતનો ભોગ બને છે અને જિંદગી ગુમાવે છે. ગઇ કાલે વહેલી સવારે નવરંગપુરા વિસ્તારમાં હિટ એન્ડ રનની ઘટના બનતાં રહી ગઇ હતી, પરંતુ આજે વહેલી સવારે થલતેજ અંડરબ્રિજમાં હિટ એન્ડ રનનો બનાવ બનવા પામ્યો છે. અંબાજી પગપાળા જતા વૃદ્ધને અજાણ્યા કારચાલકે અડફેટે લેતાં તેમનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. આ અંગે વસ્ત્રાપુર પોલીસે તપાસ શરૂ કરી છે.

પોલીસસૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ વાસણા વિસ્તારમાં આવેલી ચિંતનપાર્ક સોસાયટીમાં રહેતા અને વાસણા પીટી કોમર્સ કોલેજના નિવૃત્ત પ્રોફેસર બલભદ્રભાઇ નારાયણભાઇ ત્રિવેદી (ઉં.વ.૭૦) છેલ્લાં સાત વર્ષથી સરખેજના અંબાજી પગપાળા જતા યાત્રા સંઘમાં જોડાઇ ચાલતાં અંબાજી જતા હતા. આજે વહેલી સવારે ૪-૦૦ વાગ્યે બલભદ્રભાઇ પોતાના ઘરેથી અંબાજી ચાલતાં જવા માટે નીકળ્યા હતા અને સંઘ સાથે જોડાયા હતા.

સવારે પ-૩૦ વાગ્યાની આસપાસ તેઓ સંઘ પહેલાં ચાલતાં ચાલતાં થલતેજ અંડરબ્રિજમાંથી પસાર થઇ રહ્યા હતા તે દરમિયાનમાં એક કારચાલક પૂરપાટ ઝડપે આવ્યો હતો અને બલભદ્રભાઇને ટક્કર મારી હતી, જેના કારણે તેઓને શરીરના ભાગે ગંભીર ઇજાઓ થતાં તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. ત્યાંથી પસાર થતા એક વાહનચાલકે ૧૦૮ને જાણ કરી હતી અને પોલીસને જાણ કરાતાં વસ્ત્રાપુર પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઇ હતી અને લાશને પીએમ માટે મોકલી આપી અજાણ્યા કારચાલક સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

You might also like