પંજાબના મંત્રીએ ભૂલથી તિરંગો ઉલટો ફરકાવ્યો

અમૃતસર : પંજાબના કેબિનેટ મંત્રી વિક્રમસિંહ મજીઠિયાએ સ્વાતંત્ર્યદિન નિમિત્તે શનિવારે અત્રે યોજાયેલા એક સમારોહ દરમ્યાન ભૂલથી ઉલટો તિંરગો ફરકાવી દીધો હતો અને તેને કાર્યક્રમ પૂરો થવાના થોડાક સમય અગાઉ જ સીધો કરવામાં આવ્યો હતો. ધ્વજવંદનની વ્યવસ્થા માટે જવાબદાર બે પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા અને આ ઘટનાની મેજિસ્ટ્રેટ દ્વારા તપાસનો આદેશ આપવામાં આવ્યો હતો.

નારાજ અધિકારીઓએ દાવો કર્યો હતો કે વહેલી પરોઢ સુધી ધ્વજ યોગ્ય સ્થિતિમાં જ હતો અને કોઈ ષડયંત્ર તો નહોતું તેની તપાસ કરવામાં આવશે. ગુરુનાનક સભાગૃહમાં મજીઠિયાએ તિરંગો ફરકાવ્યો હતો. મંત્રી ઉપરાંત અમૃતસરના નાયબ પોલીસ કમિશનર રવિ ભગત અને કમિશનર જતિન્દ્રરસિંહ ઔલએ રાષ્ટ્રધ્વજને સલામી આપી જે ઉલટો હતો. મજીઠિયા જયારે ભાષણ આપતા ત્યારે પણ તિરંગો ઉલટો હતો. કાર્યક્રમ જયારે પૂરો થવાનો હતો ત્યારે તેને સીધો ફરકાવવામાં આવ્યો હતો.

 

પાછળથી પત્રકારોએ આ અંગે પ્રશ્ન કર્ય ત્યારે મજીઠિયાએ જણાવ્યું હતું કે, આ અંગે જિલ્લા વહીવટીતંત્રે જવાબ આપવો જોઈએ કે આવું કેવી રીતે બન્યું. બાદમાં અધિકારીઓએ જણાવ્યું હતું કે, ધ્વજવંદનની વ્યવસ્થા માટે જવાબદાર બે પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

You might also like