નૌકાદળમાં મહિલાઓ નિવૃત્તિ સુધી ફરજ બજાવી શકશે : કોર્ટ

નવી દિલ્હી : આ વર્ષે યોજાયેલી પરેડમાં લશ્કરનું નેતૃત્વ સંભાળીને મહિલા અધિકારીઓએ ઈતિહાસ રચ્યો હતો, પરંતુ તેમાંની ઘણી મહિલા અધિકારીઓને યુધ્ધ્જહાજ પર ફરજ બજાવવાની પરવાનગી નથી. જોકે, હવે ટૂંક સમયમાં જ તેમાં ફેરફાર થશે. દિલ્હી હાઈકોર્ટે આજે જણાવ્યું હતું કે ભારતીય નૌકાદળમાં હવેથી મહિલાઓ સંપૂર્ણ ટર્મ માટે ફરજ બજાવી શકશે અને નિવૃત્તિ પછીના લાભો પણ મેળવી શકશે.

  નૌકાદળમાં લાંબા સમયગાળાની ભરતીને પરવાનગી આપતા કોર્ટે કહ્યું હતું કે મહિલાઓની પ્રગતિ રોકવાના કોઈપણ પ્રયાસ સામે કડકાઈ દાખવવામાં આવશે.નૌકાદળે જહાજ પર મહિલાઓ માટે પ્રતિબંધ મૂકતા તેના નિયમોની સમીક્ષા કરવી જોઈએ.  મહિલા અધિકારીઓ વહીવટી, તબીબી અને શૈક્ષણિક શાખાઓમાં ફરજ બજાવે છે. સેન્સર્સના નિરીક્ષણ માટે તેમને ‘ઓબ્ઝર્વર્સ’ તરીકે વિમાનમાં પણ ફરજ બજાવે છે. 

નૌકાદળના એક અધિકારીએ જણાવ્યું હતું કે હાલના નિયમો મુજબ મહિલાઓને જહાજ પર ફરજ બજાવવા દેવાતી નથી. તેમને કેપ્ટનની રેન્કમાં પ્રમોશન આપવા માટે તેમણે દરિયામાં ફરજ બજાવેલી હોય તે જરૃરી છે. અમારે નિયમોની સમીક્ષા કરવી પડશે. ૨૦૧૦માં હાઈકોર્ટે લશ્કર અને વાયુદળમાં મહિલાઓની કાયમી ધોરણે ભરતીને મંજૂરી આપી હતી. કોર્ટે કહ્યું હતું કે સરકાર પાસેથી મહિલાઓને વધુ મળવું જોઈએ, તેના માટે તેઓ હકદાર છે.

જોકે, નૌકાદળમાં મહિલાઓ ટૂંકા ગાળા માટે ફરજ બજાવવાનો અધિકાર ધરાવે છે, જેની મહત્તમ સમયમર્યાદા ૧૪ વર્ષની છે.નૌકાદળની ૧૯ મહિલા અધિકારીઓએ અન્ય દળોમાં તેમના સમકક્ષને મળતા અધિકારો આપવાની દાદ માગતી અરજી કોર્ટ સમક્ષ કરી હતી. સેવાના મર્યાદિત સમયગાળાને લીધે મહિલા અધિકારીઓ પેન્શન મેળવવાને પાત્ર થતી નથી. કારણકે તેને માટે ઓછામાં ઓછા ૨૦ વર્ષ ફરજ બજાવેલી હોય તે જરૃરી છે.  

You might also like