નેપાળમાં ગાયને રાષ્ટ્રીય પશુ જાહેર કરવામાં આવી

કાઠમંડુઃ નેપાળના નવા બંધારણમાં હિન્દુઓમાં પૂજનીય ગણાતી ગાયને રાષ્ટ્રીય પશુ જાહેર કરવામાં આવી છે. નેપાળી કોંગ્રેસના મહામંત્રી કૃષ્ણાપ્રસાદ સીતૌલાએ જણાવ્યું છે કે હિન્દુઓની લાગણીને ધ્યાનમાં રાખીને ગાયને બંધારણીય રક્ષણ આપવામાં આવ્યું છે અને ગાયોની કતલ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

સીતૌલાએ વધુમાં જણાવ્યું હતું કે પ્રથમ બંધારણીય સભા દ્વારા હટાવવામાં આવેલી આ જોગવાઈ ફરીથી નવા બંધારણમાં ઉમેરવામાં આવી છે. બંધારણીય સભાના કેટલાક સભ્યોએ એક સિંગડાવાળા ગેંડાને રાષ્ટ્રીય પશુ જાહેર કરવાનું સૂચન કર્યું હતું. 

દરમિયાન નેપાળમાં નવું લોકતાંત્રિક બંધારણ લાગુ પાડવાથી અનેક સ્થળોએ જલસો મનાવવામાં આવ્યો હતો. રાજધાની કાઠમંડુમાં ત્રણ મોટા પક્ષોએ નવા બંધારણના સમર્થનમાં રેલી કાઢી હતી. બીજી બાજુ બંધારણની કેટલીક જોગવાઈઓ મુજબ હિંસક વિરોધ અને દેખાવો ચાલુ રહ્યા હતા. વિરાટ નગરમાં મધેશી દેખાવકારો પર પોલીસે ગોળીબાર કર્યો હતો. આ ઘટનામાં ત્રણ લોકો જખમી થયા હતા અને તેમની સ્થિતિ ગંભીર હોવાનું કહેવાય છે.

સિરાહા જિલ્લામાં દેખાવકારોએ બંધારણની નકલની હોળી કરી હતી. આ ઘટનાઓથી બંધારણના અમલ બાદ સમગ્ર દેશમાં એક સપ્તાહ સુધી ચાલનારા સમારોહ શાંતિપૂર્ણ રહેશે એવી શક્યતા હવે જણાતી નથી. કાઠમંડુમાં ત્રણ મુખ્ય પક્ષો-નેપાળી કોંગ્રેસ, સીપીએન-યુએમએલ અને યુસીપીએન-માઓવાદીએ સંયુક્ત રીતે રેલી યોજીને બંધારણના અમલની ઉજવણી કરી હતી. નેપાળી કોંગ્રેસના અધ્યક્ષ અને વડા પ્રધાન સુશીલ કોઈરાલાએ રેલીને સંબોધિત કરતા દેખાવકારોને વાટાઘાટ કરવા માટે આમંત્રણ આપ્યું હતું.

You might also like