નેતાજી વિમાન દુર્ઘટનામાં મર્યા ન હતાઃ મમતા

કોલકત્તા : ૫શ્ચિમ બંગાળમાં મુખ્યમંત્રી મમતા બેનરજીએ આજે જણાવ્યું હતું કે નેતાજી સુભાષચન્દ્ર બોઝ સાથે સંકળાયેલી જે ૬૪ ફાઈલો બહાર પાડવામાં આવી છે તેની વિગતો પ્રમાણે નેતાજી ૧૯૪પની વિમાન દુર્ઘટનામાં માર્યા ગયા ન હતા પરંતુ તે પછી તેઓ રહસ્યમય રીતે ગાયબ થઈ ગયા હતાં અને સંભવતઃ ૧૯૬૦ના દાયકા સુધી ગુપ્તવાસમાં જીવીત હતાં. મમતા જણાવ્યું હતું કે તેમને બધી ફાઈલ વાંચવાનો સમય મળ્યો નથી પરંતુ તેની વિગતો પ્રમાણે નેતાજીના પરિવારની પણ જાસૂસી કરવામાં આવી હતી.

પશ્ચિમ બંગાળ સરકારે નેતાજી સાથે જોડાયેલી ૬૪ ફાઈલોને કોલકત્તા પોલીસ મ્યુઝિયમમાં લોકોને નિહાળવા માટે મૂકી દીધી હતી. બીજીબાજુ ડિજિટલ આવૃત્તિ નેતાજીના પરિવારને સોંપી દેવામાં આવી હતી. વર્ષોથી સરકારી અને પોલીસ લોકરમાં બંધ નેતાજી સાથે જોડાયેલી ૬૪ ફાઈલોને જાહેર કરી દેવામાં આવી છે. પશ્ચિમ બંગાળ સરકારે પરિવારના સભ્યોને ફાઈલ સોંપી દીધા બાદ સસ્પેન્સનો પણ અંત આવ્યો હતો.  આ ૬૪ ફાઈલો પૈકી ૫૫ કોલકત્તા પોલીસની પાસે અને ૯ રાજ્ય પોલીસની પાસે હતી.

આ ફાઈલમાં કુલ ૧૨૭૪૪ પેજ છે. પોલીસ અધિકારીએ નેતાજીના પરિવારના સભ્યોને એક ડીવીડી સોંપી છે જેમાં ફાઈલો ડિજિટલ સ્વરૃપમાં છે. આ ફાઈલોને કોલકત્તા પોલીસ સંગ્રહાલયમાં કાંચના બોક્સમાં મુકવામાં આવી છે. આ ગાળા દરમિયાન કોલકત્તા પોલીસના અધિકારી સુરજીત દ્વારા આ ફાઈલો સુપ્રત કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ હતી. આ સંબંધમાં નેતાજીના પૌત્ર ચંદ્રા બોસે કહ્યું હતું કે આ પગલું ઉઠાવવા માટે અમે મમતા બેનર્જી સરકારને અભિનંદન આપીએ છીએ.

શરમજનક બાબત એ છે કે સ્વતંત્ર ભારતમાં પણ નેતાજીના પરિવારની જાસૂસી કરવામાં આવી રહી હતી. અમારા પરિવારની જાસૂસી કેમ કરવામાં આવી તેમાં પણ તપાસ થવી જોઈએ. આઝાદ ભારતમાં વિલનની ભૂમિકામાં કોણ હતા તે બાબત પણ જાણી શકાશેે. કોલકત્તાના પોલીસ કમિશનર સુરજીતે કહ્યું હતું કે, કોલકત્તા પોલીસ મ્યુઝિયમમાં ફાઈલ મુકવામાં આવી છે. તમામ ફાઈલો ડિજિટલ બનાવી દેવાઈ છે. કોઈ ફાઈલ સાથે ચેડા કરાયા નથી. ૧૯૯૭માં એક અહેવાલ આવ્યો હતો.

જેમાં ૧૮ ઓગસ્ટ ૧૯૪૫માં તાઈહોકુના વિમાન દુર્ઘટનામાં નેતાજીના મૃત્યુ બાદ મહાત્મા ગાંધીએ જાહેરરીતે કહ્યું હતું કે તેમને લાગે છે કે નેતાજી જીવિત છે. બંગાળમાં પ્રાર્થના સભામાં આપવામાં આવેલા નિવેદનના ચાર મહિના બાદ એક લેખ પ્રકાશિત કરાયો હતો જેમાં ગાંધીજીએ કબૂલાત કરી હતી કે આ પ્રકારની ભાવના ઉપર વિશ્વાસ કરી શકાય નહીં.   આ ફાઇલોને હવે તેમના પરિવારને સોંપી દેવામાં આવી છે. નેતાજીની ફાઇલો જારી કરવાની માંગ તેમના પરિવારના સભ્યો તરફથી લાંબા સમયથી કરવામાં આવી રહી હતી.

પશ્ચિમ બંગાળની મમતા બેનર્જી સરકારે ૬૪ ગુપ્ત વર્ગીકૃત ફાઇલો જારી કરી છે. નેતાજીના મોતને લઇને ઇતિહાસમાં કેટલીક બાબતોનો ઉલ્લેખ કરવામાં આવે છે. નેતાજી સુભાષ ચન્દ્ર બોઝ ક્યાં સુધી જીવિત હતા તેને લઇને હજુ સુધી કોઇની પાસે માહિતી રહી નથી. જેથી કેટલીકનવી વિગત પણ ખુલી શકે છે. થોડાકસમય પહેલા અમેરિકાની ગુપ્તચર સંસ્થા દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે નેતાજી ૧૯૬૦ના દશક સુધી જીવિત રહ્યા હતા.

બીજી બાજુ ભારતના ઇતિહાસના પુસ્તકોમાં નેતાજીના મોતના મામલે દુવિધાભરી સ્થિતિનો ઉલ્લેખ છે. ઇતિહાસમાં કહેવામાં આવ્યુ છે કે વિમાન દુર્ઘટનામાં તેમનુ મોત થઇ ગયું હતું. જો કે આને સમર્થન મળ્યુ ન હતું. હવે ઇતિહાસને પણ વાસ્તિવક વિગત સપાટી પર આવશે તો બદલી શકાશે. તેમના અંગે વધુ વિગત લોકો વાચીં શકશે. તેમના પરિવારના સભ્યો વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ મળી ચુક્યા છે.

૨૩મી જાન્યુઆરી ૧૮૯૭ના દિવસે નેતાજી સુભાષચંદ્ર બોઝનો જન્મ થયો હતો. નેતાજીએ કોલકત્તા યુનિવર્સિટી અને કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો હતો. સ્વતંત્રતા ચળવળમાં તેમની મહત્વપૂર્ણ ભૂમિકા હતી. ઈન્ડિયન નેશનલ કોંગ્રેસના ૧૯૩૮માં પ્રમુખ તરીકે તેઓ હતા.

You might also like