નેતાજીના પૌત્રએ કહ્યું, મારા પિતા દાઉદ ન હતા, તો પછી શા માટે જાસૂસી કરાવી?

કોલકાતાઃ નેતાજી સુભાષચંદ્ર બોઝનાં સગાં સંબંધીઓએ આ મહાન સ્વાતંત્ર્ય સેનાની અને તેમના પરિવારની જાસૂસીની તપાસ કરાવવા માગણી કરી છે. સુભાષચંદ્ર બોઝના ભાઈના પૌત્ર ચંદ્ર બોઝે એક ખાનગી ટીવી ચેનલને જણાવ્યું છે કે જાહેર કરવામાં આવેલા નવા દસ્તાવેજો પરથી પુરવાર થાય છે કે તાઈવાનમાં ૧૮ ઓગસ્ટ ૧૯૪૫ના રોજ એક વિમાન દુર્ઘટનામાં નેતાજીના મૃત્યુ બાદ સરકારે સુભાષચંદ્ર બોઝના પરિવારોની જાસૂસી કરાવી હતી.

ચંદ્ર બોઝે જણાવ્યું હતું કે તેમણે મારા પિતા અમિયાનાથ બોઝની જાસૂસી કેમ કરાવી હતી ? તેઓ દાઉદ ઈબ્રાહીમ ન હતા. તેમ છતાં તેમણે અમિયાનાથ બોઝ પર નજર રાખવા જાસૂસી વિભાગના ૧૪ લોકોને તૈનાત કર્યા હતા. ભારત સરકારને એક ભારતીય સ્વાતંત્ર સેનાની પરિવારની જાસૂસી કરાવવાની કેમ જરૂર પડી હતી ? મારી માગણી છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી આ મામલામાં તપાસ કરાવે. 

અત્રે ઉલ્લેખનીય છે કે અમિયાનાથ બોઝ નેતાજી સુભાષચંદ્ર બોઝના ભત્રીજા હતા. બીજી બાજુ સુભાષચંદ્ર બોઝ સાથે સંકળાયેલી ફાઈલ જાહેર થતા હવે આ મુદ્દે રાજકારણ શરૂ થઈ ગયું છે. ભાજપે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર નેતાજીનાં ૭૦ વર્ષ પહેલાં લાપત્તા થવાના રહસ્ય બાબતે ગંભીર છે અને પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનરજી આ મુદ્દે રાજકારણ રમવાનું બંધ કરે.

જ્યારે કોંગ્રેસે જણાવ્યું હતું કે નેતાજીની ફાઈલ જાહેર કરવામાં આવી તે આવકાર્ય છે. સામ્યવાદી પક્ષે જણાવ્યું હતું કે નેતાજીની ફાઈલો વર્ગીકૃત યાદીમાંથી દૂર કરવાનો મામલો કોંગ્રેસ અને ભાજપની મિલી ભગતનું પરિણામ છે. અત્રે ઉલ્લેખનીય છે કે પશ્ચિમ બંગાળ સરકારે નેતાજી સાથે સંકળાયેલી ૬૪ ફાઈલ શુક્રવારે જાહેર કરવામાં આવી હતી.

 

You might also like