નૂર્મને બદલે હવે અટલજીના નામથી અમૃત યોજના અમલમાં આવશે

વડોદરા : કેન્દ્ર સરકાર દ્વારા અગાઉ શહેરી વિકાસ માટે નુર્મ યોજનાનો અમલ કરવામાં આવ્યો હતો ત્યારબાદ હવે અટલ મિશન ફોર રિજુવિનેશન એન્ડ અર્બન ટ્રાન્સફોર્મેશન યોજનાનો અમલ કરવામાં આવી રહયો છે. જેમાં વડોદરા મહાનગર પાલિકા ડીટેઇલ પ્રોજેકટ રીપોર્ટ રજૂ કરશે. આ અંગે માહિતી આપતા કમિશનર એચ.એસ.પટેલે જણાવ્યું હતું કે નવી અમૃત યોજના હેઠળ શહેરનો સર્વાગી વિકાસ થાય તે માટે હાલની સુવિધાઓ સુદ્રઢ બને તેવું આયોજન કરવામાં આવનાર છે.

અમૃત મિશન હેઠળ પાણી, ડ્રેનેજ, રસ્તા ઉપરાંત ખુલ્લી જગ્યાઓમાં ઉદ્યાન બનાવવા તેમજ પ્રદુષણ ઘટાડવા બીન યાંત્રિક વાહનોનો પણ ઉપયોગ થાય તેવું આયોજન છે. એચ.એસ.પટેલે જણાવ્યું કે અમૃત મિશન હેઠળ સ્થળ પર જ ઘન પ્રવાહી કચરો તથા મલીન જળના નિકાલ માટે સેપ્ટેજ મેનેજમેન્ટ તેમજ પૂર નિયંત્રણ માટે વરસાદી ગટર પાર્કિગમાં વધારો અને બાળકોને ધ્યાનમાં રાખી હરિયાળી જગ્યાઓ બનાવવાનું આયોજન અને શહેરસ્તરના પ્રોજેકટ તૈયાર કરવામાં આવશે.

વિવિધ પ્રોજેકટ સમયસર પૂર્ણ કરી શકાય તેવું ખાનગીકરણ થઇ શકે તે માટે વિવિધ મંડળીઓની સેવા પણ લેવાશે. સુધારાઓ અમલી બનાવવા માટે રોડ મેપ તથા સક્ષમતા વધારવાનું પણ આયોજન કરવામાં આવશે. અમૃત યોજના હેઠળ શુ્ધ્ધ વાતાવરણ બની રહે તે માટે બગીચાઓ બનાવવા અને તેમાં બાળકોની તંદુરસ્તી જળવાઇ રહે તે માટે ખુલ્લી જગ્યા બનાવવા પર ખાસ ધ્યાન કેન્દ્રીત કરવામાં આવશે. હાલમાં જે સીટી બસ સેવા છે તેમાં વધારો કરી બસ સેવા વધુ સુદ્રઢ બનાવવામાં આવશે.

વડોદરા શહેરમાં દરેક રહેઠાણને પુરતુ પાણી અને ગટર જોડાણ મળી રહે તેમજ હાલના પાણી પુરવઠાની સુવિધામાં શુધ્ધીકરણના પ્લાન્ટ અને તમામ રહેઠાણમાં મીટર લગાવવામાં આવશે. પીવાના પાણીના પુરવઠા માટે નવા પાણીના સ્ત્રોત અને જમીનમાં રહેલા પાણીના રીચાર્જીગ કરવાનું પણ આયોજન કરવામાં આવશે. સ્થળ પર જ ઘન પ્રવાહી કચરો અને મલીન જળના નિકાલ માટે સેપ્ટેજ મેનેજમેન્ટ હેઠળ સફાઇ પરિવહન અને શુધ્ધીકરણ ઓછા ખર્ચમાં કરવાનું આયોજન.

You might also like