નિર્મળ મન દ્વારા ભગવાનને ભજવાથી ભગવાન પ્રસન્ન થાય 

ઘણા મનુષ્ય આજે તપ કરવા જાય છે, પરંતુ આરંભે શૂરા જેવું થાય છે. થોડું તપ કરે કે તેમનું મન ચારે દિશામાં આમતેમ ભટકવા લાગે છે, તેથી તેમને યોગ્ય ફળ મળતું નથી, પછી તેઓ ઈશ્વરનો દોષ કાઢે છે કે હું આટઆટલાં તપ કરું છું, છતાં ઈશ્વર મારા પર કેમ પ્રસન્ન થતા નથી.

જ્યારે આપણે જીવનનાં અન્ય કાર્ય સમજી-વિચારીને કરીએ છીએ તો ચિંતન પણ સમજી-વિચારીને કરવું જોઈએ કે માત્ર પાનાં ઊલટાવવાના બદલે આપણે જીવનના અન્ય કાર્યની જેમ ચિંતન પણ કરવું જોઈએ કે આપણે જે વાંચીએ છીએ, જે કરીએ છીએ કે કરી રહ્યા છીએ તે પાછળનું રહસ્ય શું છે?

જે કાર્ય સતત કરવામાં આવે છે એ સ્વાભાવિક બની જાય છે અને તે માટે ચિંતન કરવાની જરૂર રહેતી નથી. આપણું મન આમતેમ ભટક્યા કરે છે, પરંતુ આપણું મન જ ક્યાંયનું ક્યાંય ભટકતું હોવાથી આપણે સાંસારિક તૃષ્ણામાંથી મુક્ત થઈ શકતા નથી.

પહેલાંના સમયમાં ઈશ્વર પ્રાપ્તિ કરવી ખૂબ જ મુશ્કેલ હતી. લંકાપતિ રાવણે ૧૦,૦૦૦ વર્ષ તપ કર્યું ત્યારે બ્રહ્માજી તેના પર પ્રસન્ન થયા હતા. આજના ઘોર કળિયુગમાં આટલું બધું તપ કરવાનું લગભગ અશક્ય છે.

કોઈ મનુષ્યની એટલી ઉંમર પણ નથી કે તે આટલું બધું તપ કરી શકે, પરંતુ મનુષ્યજન્મ મળ્યો છે તો આપણે તેનો શક્ય એટલો સદુપયોગ કરવો જોઈએ. માત્ર ભગવાં વસ્ત્રો ધારણ કરવાથી સાધના સફળ થતી નથી. જીવનમાં જે પણ કંઇ વીતી ગયું છે તેને ભૂલી જાવ.

વર્તમાનનું સિંચન કરો. મન ચંચળ છે. મોટા મોટા સાધકો પણ મન પર કાબૂ રાખી શકતા નથી. મનને ઓળખવું બહુ કઠિન છે. પરમાત્માએ એને એટલું શકિતશાળી બનાવ્યું છે કે તેની મદદથી આપણે સાધનાની અનેક સીડીઓ આસાનીથી ચડી શકીએ છીએ. સંસારમાં જો કોઈ કામધેનુ હોય તો તે આપણું મન છે.

પૌરાણિક કથાઓમાં તેનો સારો ઉપદેશ આપવામાં આવ્યો છે. તેની વાર્તાઓના માધ્યમથી આપણે જટિલ બાબતોને પણ સરળતાથી સમજી શકીએ છીએ. પ્રશ્ન માત્ર એ છે કે જીવનમાં આપણે કેટલું ઉતારી શકીએ છીએ. 

મનના તરંગો ક્યારેય અટકતા નથી. એક ઈચ્છા પૂરી થઈ નથી કે બીજી જાગે છે. આથી જ મનને નિર્મળ બનાવો. નિર્મળ મન દ્વારા ભગવાનને ભજવાથી ભગવાન પ્રસન્ન થાય તો પણ તે આપણા પ્રત્યે તેમની અપાર કરુણા વહાવે છે, જેના પ્રતાપે આપણું જીવન સુખ-શાંતિ અને સમૃદ્ધિથી સભર બની જાય છે.

 

You might also like